ભારત VS કોરિયા મૅચ બપોરે ૩.૩૦ વાગ્યાથી
હરમનપ્રીત સિંહની ફાઇલ તસવીર
૮ સપ્ટેમ્બરથી ૬ ટીમો વચ્ચે શરૂ થયેલી એશિયન ચૅમ્પિયનશિપ ટ્રોફી (ACT)ની ૮મી સીઝન હવે એના અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે ચાર ટૉપ ટીમ વચ્ચે સેમી ફાઇનલનો જંગ જામશે. બપોરે એક વાગ્યે પાકિસ્તાન-ચીન વચ્ચે પહેલી સેમી ફાઇનલ અને બપોરે ૩.૩૦ વાગ્યે ભારત-કોરિયાની બીજી સેમી ફાઇનલ મૅચ શરૂ થશે. દિવસની શરૂઆતમાં મલેશિયા અને જપાન વચ્ચે ૧૦.૩૦ વાગ્યાથી પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે મૅચ રમાશે.
આ ટુર્નામેન્ટમાં ભારત છઠ્ઠી વાર અને કોરિયા ચોથી વાર સેમી ફાઇનલ મૅચ રમશે. આઠમી સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ અપરાજિત રહી છે, જ્યારે કોરિયાને માત્ર ભારત સામે જ ૩-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નૉકઆઉટ મૅચ કોઈ પણ ટીમ માટે એક નવી શરૂઆત છે એથી ભારતીય ટીમ કોરિયાને હળવાશથી લેવાની ભૂલ કરી શકે નહીં, કારણ કે જો હરીફ ટીમનો સારો દિવસ હોય તો એ સૌને ચોંકાવી શકે છે. આ ટીમે છેલ્લી ઘડીમાં મલેશિયા સામે ગોલ કરીને ૩-૩થી મૅચ ડ્રૉ કરીને સેમી ફાઇનલની આશા જીવંત રાખી હતી.
૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ કોરિયા ૨૦૧૬ અને ૨૦૨૩માં ચોથા ક્રમે રહી હતી. ભારતીય ટીમ પાંચ વાર ફાઇનલ મૅચ રમી છે, જ્યારે ચાર વાર ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ૨૦૧૩માં ભારતીય ટીમ ટૉપ-ફોરમાં પહોંચી શકી નહોતી, જ્યારે ૨૦૨૧માં પાકિસ્તાનને હરાવીને આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૧૭ સપ્ટેમ્બરે બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ત્રીજા સ્થાન માટેની મૅચ એ પહેલાં ત્રણ વાગ્યાથી રમાશે.