૧૫ ટકા મૅચ-ફી સાથે WTCમાં ત્રણ-ત્રણ પૉઇન્ટ કપાયા
ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં ફાઇનલ સુધી પહોંચવાની રેસ વધુ રોમાંચક બની રહી છે. ફાઇનલિસ્ટ બનવા માટે ભારત, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડની ટીમ હાલમાં મુખ્ય દાવેદાર છે જેમાંથી ન્યુ ઝીલૅન્ડની ટીમને આ રેસમાં જબરદસ્ત ફટકો પડ્યો છે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં સ્લો ઓવર રેટ બદલ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની ટીમને ICCએ સજા સંભળાવી છે. બન્ને ટીમને ૧૫ ટકા મૅચ-ફી સાથે WTC પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રણ-ત્રણ પૉઇન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ દંડથી ઇંગ્લૅન્ડને કોઈ ફરક પડશે નહીં, કારણ કે આ ટીમ ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ત્રણ પૉઇન્ટ કપાઈ જતાં ન્યુ ઝીલૅન્ડની ટીમને એક સ્થાનનું નુકસાન થયું છે, એની પૉઇન્ટ ટકાવારી ૫૦.૦૦થી ઘટીને ૪૭.૯૨ થઈ છે. એ પહેલાં શ્રીલંકા સામે સંયુક્ત રીતે ચોથા ક્રમે હતી. ઇંગ્લૅન્ડની પૉઇન્ટ ટકાવારી ૪૩.૭૫થી ૪૨.૫૦ થઈ પણ એ છઠ્ઠા ક્રમે યથાવત્ છે. WTC સીઝનની પોતાની છેલ્લી બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે જીતીને પણ ન્યુ ઝીલૅન્ડની ટીમની મહત્તમ પૉઇન્ટ ટકાવારી ૫૫.૩૬ થશે. એવામાં અન્ય ટીમનાં ટેસ્ટ-મૅચ રિઝલ્ટ WTCમાં કિવીઓનું ભવિષ્ય નક્કી કરશે.