IPLના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા પ્લેયરે રચ્યો ઇતિહાસ : વિજય હઝારે ટ્રોફીમાં ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને યુસુફ પઠાણનો એક દાયકા જૂનો રેકૉર્ડ તોડ્યો
અનમોલપ્રીત સિંહ
ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીની વન-ડે ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત થઈ હતી. અમદાવાદમાં ગ્રુપ-Cમાં પંજાબ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ટક્કર થઈ હતી. અરુણાચલ પ્રદેશે આપેલા ૧૬૫ રનના ટાર્ગેટને પંજાબની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને ૧૨.૫ ઓવરમાં ૧૬૭ રન બનાવી ચેઝ કર્યો હતો. પંજાબની ટીમે ૯ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી છે.
મિડલ ઑર્ડર બૅટર અનમોલપ્રીત સિંહે આ મૅચમાં ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ૨૦૦૯-’૧૦ની સીઝનમાં બરોડા તરફથી રમતાં ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુસુફ પઠાણે મહારાષ્ટ્ર સામે ૪૦ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. અનમોલપ્રીત સિંહ માત્ર ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને લિસ્ટ A ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય બની ગયો છે. ઓવરઑલ રેકૉર્ડ પ્રમાણે લિસ્ટ Aમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર તે ત્રીજો બૅટર છે. ઑસ્ટ્રેલિયાનો જેક ફ્રેઝર મૅક્ગર્ક (૨૯ બૉલ) અને સાઉથ આફ્રિકાનો એ.બી. ડિવિલિયર્સ (૩૧ બૉલ) આ રેકૉર્ડ લિસ્ટમાં પહેલા-બીજા નંબર પર છે.
ADVERTISEMENT
૨૦૧૯થી ૨૦૨૨ સુધી મુંબઈ ઇન્ડિયન્સ અને છેલ્લી બે સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં રહેલા આ પ્લેયરને IPLના મેગા ઑક્શનમાં ૩૦ લાખની બેઝ-પ્રાઇસ સાથે પણ કોઈ ફ્રૅન્ચાઇઝીએ ખરીદ્યો નહોતો. કૅપ્ટન અભિષેક શર્મા (૧૦ રન)ના વહેલા આઉટ થયા બાદ પ્રભસિમરન સિંહ (૩૫ રન અણનમ) સાથે અનમોલપ્રીતે બીજી વિકેટ માટે ૧૫૩ રનની અતૂટ પાર્ટનરશિપ કરીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. ૧૧૫ રનની અણનમ ઇનિંગ્સ રમીને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.
અનમોલપ્રીત સિંહનું પ્રદર્શન
રન ૧૧૫
બૉલ ૪૫
ચોગ્ગા ૧૨
છગ્ગા ૯
સ્ટ્રાઇક-રેટ ૨૫૫.૫૫

