મિસ્ટર IPL તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું...
સુરેશ રૈના
IPLના ઇતિહાસમાં ૨૦૫ મૅચમાં ૫૫૨૮ રન ફટકારનાર સુરેશ રૈનાએ હાલમાં આ ટુર્નામેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મિસ્ટર IPL તરીકે જાણીતા આ ક્રિકેટરે કહ્યું કે ‘આપણે ઘણા પ્લેયર્સને તેમની પ્રતિભાને નિખારતા અને ઇન્ટરનૅશનલ સ્તરે આગળ વધતા જોયા છે. ભારત વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ જીત્યું છે અને અમે યુવા પ્લેયર્સને કૅપ્ટન બનતા જોયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઘણા ફાસ્ટ બોલરોને જુઓ જે આ લીગમાંથી ઊભરી આવ્યા છે. આજે આપણી પાસે ક્રિકેટરોની એક નવી પેઢી છે. હું તિલક વર્મા, યશસ્વી જાયસવાલ અને રિન્કુ સિંહનો મોટો ચાહક છું. આપણી પાસે અક્ષર પટેલના રૂપમાં એક નવો (દિલ્હી કૅપિટલ્સ) કૅપ્ટન પણ છે.’
સુરેશ રૈનાએ વધુમાં કહ્યું હતું કે ‘યુવા પ્લેયર્સ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે વર્તમાનમાં રહેવું, તમારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સતત સારું પ્રદર્શન કરવું. જો તમે એક સીઝનમાં ૫૦૦ રન બનાવશો તો તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી શકો છો. દરેક IPL સીઝન એ વિકસિત થવાની, વધુ નિર્ભય બનવાની અને તમારી ટેક્નિક અને અભિગમ સુધારવાની તક છે. IPLનો હેતુ એ જ છે કે મોટા પ્રસંગોમાં આગળ વધવું અને સતત તમારી રમતમાં સુધારો કરવો.’

