નવી રણજી સીઝનની પોતાની બીજી મૅચમાં મુંબઈની ટીમ મહારાષ્ટ્ર સામે જીતથી ૬૧ રન દૂર છે. ગઈ કાલે મૅચના ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ટીમ ૧૪૨ રનના સ્કોરને ૩૮૮ રન સુધી પહોંચાડીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રના કૅપ્ટન ગાયકવાડે ૧૫૨ રન ફટકાર્યા હતા.
નવી રણજી સીઝનની પોતાની બીજી મૅચમાં મુંબઈની ટીમ મહારાષ્ટ્ર સામે જીતથી ૬૧ રન દૂર છે. ગઈ કાલે મૅચના ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ટીમ ૧૪૨ રનના સ્કોરને ૩૮૮ રન સુધી પહોંચાડીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ પછી ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને જીતવા માટે ૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં મુંબઈએ બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે ૧૩ રન બનાવ્યા અને આજે ચોથા દિવસે જીતવા માટે એને ૬૧ રનની જરૂર છે. પહેલી ઇનિંગ્સમાં મહારાષ્ટ્રની ટીમે ૧૨૬ અને મુંબઈની ટીમે ૪૪૧ રન કર્યા હતા.
મહારાષ્ટ્રના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૧૫૨ રન) અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન અંકિત બાવને (૧૦૧ રન)ની ઇનિંગ્સ શાનદાર રહી હતી. તેમના સિવાય સચિન ધાસે ૯૮ રન કર્યા હતા. મુંબઈ તરફથી તનુષ કોટિયન, મોહિત અવસ્થી અને શમ્સ મુલાનીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સીઝનમાં મહારાષ્ટ્રની જમ્મુ-કાશ્મીર સામેની પહેલી મૅચ ડ્રૉ રહી હતી, જ્યારે મુંબઈની ટીમને બરોડા સામે ૮૪ રને હાર મળી હતી.