ખભાની ઇન્જરીને કારણે ત્રિપુરા સામેની મૅચમાંથી થયો હતો બહાર, પહેલા દિવસે ઓડિશા સામે મુંબઈએ ત્રણ વિકેટે ૩૮૫ રન ફટકાર્યા
શ્રેયસ ઐયર
મુંબઈ અને ઓડિશા વચ્ચે ગઈ કાલે રણજી સીઝનની ગ્રુપ-સ્ટેજની મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી મુંબઈની ટીમે ૯૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૩૮૫ રન ફટકાર્યા છે. ખભાની ઇન્જરીને કારણે ત્રિપુરા સામેની મૅચમાંથી બહાર થયેલા બૅટર શ્રેયસ ઐયરે એક અઠવાડિયા બાદ ટીમમાં જબરદસ્ત વાપસી કરી છે. શ્રેયસ ઐયરે (૧૫૨ રન) અને સિદ્ધેશ લાડે (૧૧૬ રન) સાથે મળીને ચોથી વિકેટ માટે ૨૩૧ રનની અતૂટ પાર્ટનરશિપ નોંધાવી છે. મહારાષ્ટ્ર સામેની મૅચમાં ઐયરે ૧૪૨ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્રિપુરા સામેની મૅચમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરનાર ઓપનર અંગક્રિશ રઘુવંશી (૯૨ રન) માત્ર આઠ રનથી સેન્ચુરી ચૂકી ગયો છે. ખરાબ ફિટનેસને કારણે બહાર થયેલા પૃથ્વી શૉને આ મૅચમાં પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

