પહેલી ઇનિંગ્સમાં મુંબઈએ ચાર વિકેટે ૬૦૨ રન ફટકાર્યા, ઓડિશા પર ફૉલોઑનનો ખતરો
શ્રેયસ ઐયર
મુંબઈમાં ઓડિશા સામે રમાઈ રહેલી રણજી મૅચમાં જબરદસ્ત ઍક્શન જોવા મળી રહી છે. ગઈ કાલે બીજા દિવસે શ્રેયસ ઐયરની ડબલ સેન્ચુરીની મદદથી મુંબઈએ ૧૨૩.૫ ઓવરમાં ચાર વિકેટે ૬૦૨ રને પહેલી ઇનિંગ્સ ડિકલેર કરી હતી. જંગી સ્કોરના દબાણ હેઠળ ઓડિશાની ટીમ દિવસના અંતે માત્ર ૧૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવીને ફૉલોઑનની અણી પર હતી. ઓડિશાની ટીમ હજી પણ ૪૫૬ રનથી પાછળ છે.
શ્રેયસ ઐયરે ૨૪ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૨૨૮ બૉલમાં ૨૩૩ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. આ તેના કરીઅરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર ૨૯ વર્ષના ઐયરે ૨૦૧૫માં પંજાબ સામે ૨૦૦ રન અને ૨૦૧૭માં ઇન્ડિયા A તરફથી ઑસ્ટ્રેલિયા A સામે ૨૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. મુંબઈની ટીમ ગઈ કાલના ત્રણ વિકેટે ૩૮૫ રનના સ્કોરથી આગળ વધી હતી અને એણે વધુ ૨૧૭ રન ઉમેર્યા હતા.
ADVERTISEMENT
૨૦૧ બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરનાર શ્રેયસ ઐયરે સિદ્ધેશ લાડ (૧૬૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૩૫૪ રનની પાર્ટનરશિપ કરી હતી, આ ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમ માટે ચોથી વિકેટની આ સૌથી મોટી પાર્ટનરશિપ છે.