પાંપણ ઉડાવીને હિટમૅને નવો કોચ, નવો સિલેક્ટર અને વન-ડે વર્લ્ડ કપની વિશ માગી હોવાની ચર્ચા
રિષભ અને રોહિતની સ્પેશ્યલ મોમેન્ટ થઈ વાઇરલ
રાયપુરની વન-ડેમાં બીજી ઇનિંગ્સની શરૂઆતમાં રિષભ પંત અને રોહિત શર્માની એક નાનકડી હરકતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. પૅવિલિયન પાસે વાતચીત દરમ્યાન રિષભ પંતે રોહિત શર્માની આંખ પાસે પડેલી નાનકડી પાંપણને હિટમૅનના હાથની મુઠ્ઠી પર મૂકીને વિશ માગવાનું સૂચન કર્યું હતું. રોહિતે પોતાની આંખો બંધ કરીને વિશ માગ્યા બાદ એ પાંપણને ઉડાવી દીધી હતી.
મિત્રતા અને પરંપરાના સંપૂર્ણ મિશ્રણવાળી આ ઘટનાનો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. રોહિત શર્માએ શું વિશ માગી હશે એની પણ ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે. મોટા ભાગના લોકોએ આગામી વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીનું અનુમાન લગાવ્યું છે, કારણ કે ૨૦૨૩માં તે કૅપ્ટન તરીકે વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીની નજીક પહોંચીને ફાઇનલમાં હારી ગયો હતો. હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે અણબનાવના અહેવાલ વચ્ચે કેટલાક ચાહકોએ નવા કોચ અને નવા સિલેક્ટરની વિશનું પણ અનુમાન લગાવ્યું છે.


