કૉન્ગ્રેસના પદાધિકારીઓએ કહ્યું કે આ મુલાકાત રાજકીય નહીં એક સૌજન્ય મુલાકાત હતી
કૉન્ગ્રેસના સંસદસભ્ય દિગ્વિજય સિંહ શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા
ગુરુવારે કૉન્ગ્રેસના સંસદસભ્ય દિગ્વિજય સિંહ શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા. કૉન્ગ્રેસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી હોવાથી આ બેઠક પર અનેક લોકોની નજર રહી હતી. એવી અટકળો ચાલી રહી હતી કે દિગ્વિજય સિંહ કૉન્ગ્રેસ-હાઇકમાન્ડનો સંદેશ લઈને માતોશ્રી આવ્યા છે.
શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે મહાવિકાસ આઘાડી (MVA)નો ભાગ રહેવું જોઈએ અને BMCની ચૂંટણી સાથે લડવી જોઈએ. એમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) પણ સામેલ છે.’
ADVERTISEMENT
જોકે કૉન્ગ્રેસના પદાધિકારીઓએ કહ્યું કે આ મુલાકાત રાજકીય નહીં એક સૌજન્ય મુલાકાત હતી. મુંબઈના કોઈ પણ કૉન્ગ્રેસી રાજનેતા આ બેઠકમાં સામેલ નહોતા.
કૉન્ગ્રેસે BMCની ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે દિલ્હી જશે અને કૉન્ગ્રેસ-હાઇકમાન્ડ સાથે વાત કરશે.


