ઇંગ્લૅન્ડે સોફિયા ડન્ક્લીના ૫૬ રન અને વિકેટકીપર ઍમી જોન્સના અણનમ ૪૦ રનની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૩ રન બનાવ્યા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ પ્રથમ ટી૨૦ પણ જીતી
૨૬ જૂને ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ જીતનાર ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે શનિવારે બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમને ત્રણ મૅચવાળી સિરીઝની પહેલી ટી૨૦માં એક બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી પરાજિત કરીને ૧-૦થી સરસાઈ લીધી હતી.
ઇંગ્લૅન્ડે સોફિયા ડન્ક્લીના ૫૬ રન અને વિકેટકીપર ઍમી જોન્સના અણનમ ૪૦ રનની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૩ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની જેસ જૉનસને ત્રણ અને મેગન શટે બે વિકેટ લીધી હતી. એક વિકેટ તાહલિયા મૅકગ્રાને મળી હતી. ઑસ્ટ્રેલિયાએ પ્લેયર ઑફ ધ મૅચ બેથ મૂની (૬૧ અણનમ, ૪૭ બૉલ, નવ ફોર)ની હાફ સેન્ચુરી અને મૅકગ્રાના આક્રમક ૪૦ રન તેમ જ ગાર્ડનરના ૩૧ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતના ભૂતપૂર્વ રણજી કોચ વિજય પટેલ બન્યા અમેરિકન ટીમના કોચ
ગુજરાત ક્રિકેટ અસોસિએશનની વિવિધ ટીમના ચીફ કોચ તરીકે રહી ચૂકેલા અમદાવાદના ભૂતપૂર્વ ક્રિકેટર વિજય પટેલની ચોથી ઑગસ્ટથી રમાનારી અમેરિકાની લૉન સ્ટાર ઍથ્લેટિક્સ માઇનર લીગ ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ વિજય પટેલના વડપણ અને કોચિંગ હેઠળ ગુજરાતની ટીમે ઘણી સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓ ચીફ કોચ હતા ત્યારે ગુજરાતની ટીમ બીસીસીઆઇની ડોમેસ્ટિક ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ટાઇટલ જીતી હતી. રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી (વન-ડે) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી૨૦)માં ગુજરાતની ટીમ ચૅમ્પિયન બની હતી.
F1માં વર્સ્ટેપ્પન સતત પાંચમી વાર ચૅમ્પિયન
નેધરલૅન્ડ્સનો ફૉર્મ્યુલા-વન મૅક્સ વર્સ્ટેપ્પન ગઈ કાલે સ્પીલબર્ગમાં ઑસ્ટ્રિયન ગ્રાં પ્રિ જીતી ગયો હતો. આ રેસિંગ કાર-ડ્રાઇવર F1માં સતત પાંચમી વખત ચૅમ્પિયન બન્યો છે. ૨૦૨૩ની સીઝન તેના માટે ગોલ્ડન સાબિત થઈ છે. રેડ બુલ રેસિંગનો વર્સ્ટેપ્પન એક તબક્કે ફેરારીના ચાર્લ્સ લેક્લર્ક (જમણે)થી પાછળ હતો, પણ પછી તેને પાછળ રાખીને ચૅમ્પિયન બની ગયો હતો.
યુકી ભાંબરી ટેનિસમાં પહેલું એટીપી ડબલ્સ ટાઇટલ જીત્યો
ભારતનો ટેનિસ ખેલાડી યુકી ભાંબરી મેન્સ ડબલ્સમાં પહેલી વાર એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) ટાઇટલ જીત્યો છે. સ્પેનના મલ્લોર્કામાં તેણે અને સાઉથ આફ્રિકાના લૉઇડ હૅરિસે શનિવારની ફાઇનલમાં ડચ-ઑસ્ટ્રિયાના રૉબિન હાસ અને ફિલિપ ઑસ્વાલ્ડને ૬-૩, ૬-૪થી હરાવ્યા હતા. યુકીની ગેમ હૅરિસનું પણ આ પહેલું એટીપી ટાઇટલ છે.
ટૂર દ ફ્રાન્સની રેસમાં ઍડમે ટ્વિન બ્રધરને હરાવ્યો
વાર્ષિક બાઇસિકલ રેસ ‘ટૂર દ ફ્રાન્સ’ના પ્રથમ તબક્કામાં શનિવારે બ્રિટનના ૩૦ વર્ષની ઉંમરના ઍડમ યાટ્સે તેના જોડિયા ભાઈ સાયમન યાટ્સને હરાવ્યો હતો. આ જગવિખ્યાત રેસ પૂરી થવાને ૭ કિલોમીટર (૪ માઇલ)નું અંતર બાકી હતું ત્યારે બન્ને ભાઈઓ સૌથી આગળ એકબીજાની આગળ-પાછળ રહ્યા હતા અને જેમ-જેમ વધુ અંતર કપાતું ગયું એમ ઍડમ (૪૦૦ મીટર બાકી હતા ત્યારે) સૌથી આગળ થઈ ગયો હતો. આ રેસ જીતવા માટે ફેવરિટ ગણાતા પૉગાકાર અને વિન્ગેગાર્ડ નામના બે સ્પર્ધકો પણ પાછળ રહી ગયા હતા.
સ્પૅનિશ ફુટબોલર સેસ્ક ફૅબ્રિગાસે લીધી નિવૃત્તિ
સ્પેનનો ૩૬ વર્ષનો ફુટબોલર સેસ્ક ફૅબ્રિગાસ જે બાર્સેલોના, આર્સેનલ, ચેલ્સી, મૉનેકો અને કૉમો ક્લબ વતી કુલ ૫૦૦-પ્લસ મૅચ રમી ચૂક્યો છે તેણે શનિવારે અચાનક ફુટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તે મિડફીલ્ડર હતો છતાં ૧૦૦ જેટલા ગોલ કર્યા હતા. ૨૦૧૮માં તેણે લેબૅનનની સુપરમૉડલ ડૅનિયેલા સાથે લગ્ન કર્યાં હતાં. તે ફૅબ્રિગાસથી ૧૨ વર્ષ મોટી છે. તેમને ત્રણ સંતાન છે. ડૅનિયેલાને પ્રથમ પતિથી બે બાળક હતાં. ૨૦૧૦માં સ્પેન ફિફા વર્લ્ડ કપ જીત્યું ત્યારે ફૅબ્રિગાસ સ્પૅનિશ ટીમમાં હતો.


