૭૨ વર્ષ પછી પહેલા દિવસે ૧૭ વિકેટ પડી, બન્ને ટીમે મળીને માત્ર ૨૧૭ રન બનાવ્યા: ભારતના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયાના ૭ વિકેટે ૬૭, ચાર વિકેટ લઈને કાંગારૂઓની કમર તોડી નાખી: ભારતની બૅટિંગમાં વિરાટ કોહલી ફ્લૉપ, રાહુલની વિકેટ વિવાદાસ્પદ: પહેલી જ ટેસ્ટમાં નીતીશ
સ્ટીવન સ્મિથને પહેલા જ બૉલમાં આઉટ કર્યા બાદ ખુશખુશાલ કૅપ્ટન જસપ્રીત બુમરાહ.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટેની પાંચ ટેસ્ટની સિરીઝની ગઈ કાલે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં રોમાંચક શરૂઆત થઈ હતી. પહેલા દિવસની રમતમાં ૭૬.૪ ઓવરમાં માત્ર ૨૧૭ રન થયા હતા અને ૧૭ વિકેટ પડી ગઈ હતી.
સિરીઝની પહેલી જ ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય બૅટિંગનો ધબડકો થયો હતો, પણ ત્યાર બાદ કૅપ્ટન જસપ્રીત બુમરાહની આગેવાનીમાં બોલરોએ તરખાટ મચાવીને દિવસના અંતે પ્રભુત્વ મેળવી લીધું હતું. ભારતીય ટીમ ૪૯.૪ ઓવરમાં ૧૫૦ રન કરીને ઑલઆઉટ થઈ એ પછી ઑસ્ટ્રેલિયાએ ૨૭ ઓવરમાં માત્ર ૬૭ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી.
ADVERTISEMENT
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ભારત અને ઑસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ જોવા માટે ગઈ કાલે પર્થના મેદાનમાં ભારતીય ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
જસપ્રીત બુમરાહે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી; પણ શરૂઆતમાં મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડના તરખાટ સામે ભારતીય બૅટરો ઘૂંટણિયે પડી ગયા હતા. યશસ્વી જાયસવાલ અને દેવદત્ત પડિક્કલ ઝીરોમાં પૅવિલિયન ભેગા થયા હતા, જ્યારે વિરાટ કોહલી માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. કે. એલ. રાહુલે ૭૪ બૉલમાં ધીરજભર્યા ૨૬ રન કર્યા હતા ત્યારે તેને વિવાદસ્પદ રીતે કૉટ-બિહાઇન્ડ અપાયો હતો, એવું લાગતું હતું કે બૉલ તેના બૅટને નહોતો લાગ્યો અને સ્નિકોમીટરમાં આવાજ બૅટ અને પૅડના સ્પર્શને લીધે આવ્યો હતો. કૉમેન્ટેટરો પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી અવાક હતા.
ધ્રુવ જુરેલ (૧૧) અને વૉશિંગ્ટન સુંદર (૪) સસ્તામાં આઉટ થયા પછી રિષભ પંત અને પહેલી વાર ટેસ્ટમૅચ રમતા નીતીશ કુમાર રેડ્ડીએ સાતમી વિકેટ માટે ૪૮ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. પંત ૭૮ બૉલમાં ૩૭ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ભારત વતી હાઇએસ્ટ ૪૧ રન બનાવનાર નીતીશ છેલ્લે આઉટ થયો હતો.
કે. એલ. રાહુલે ૭૪ બૉલમાં ધીરજપૂર્વક ૨૬ રન કર્યા હતા, પણ સ્ટાર્કના એક બૉલમાં તેને વિવાદસ્પદ રીતે કૉટ-બિહાઇન્ડ અપાયો હતો. કૉમેન્ટેટરો પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી અવાક હતા.
ઑસ્ટ્રેલિયા વતી હેઝલવુડે ૪ તથા સ્ટાર્ક, પૅટ કમિન્સ અને નૅથન લાયને બે-બે વિકેટ લીધી હતી.
બૅટરોના નિરાશાજનક પર્ફોર્મન્સ પછી જોકે ભારતીય કૅપ્ટન જસપ્રીત બુમરાહ બોલિંગમાં ત્રાટક્યો હતો અને તેણે સાતમી ઓવર સુધીમાં જ ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ખેરવીને કાંગારૂઓની કમર ભાંગી નાખી હતી. બુમરાહે ૧૦ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. પહેલી જ ટેસ્ટમૅચ રમી રહેલા હર્ષિત રાણાએ જોખમી બેટર ગણાતા ટ્રૅવિસ હેડને ક્લીન બોલ્ડ કર્યો હતો.
હાજરાહજૂર બૉર્ડર-ગાવસકર સાથે બન્ને ટીમના કૅપ્ટન
ગઈ કાલે પર્થમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટની સિરીઝની પહેલી મૅચ શરૂ થઈ એ પહેલાં બન્ને ટીમના કૅપ્ટનો પૅટ કમિન્સ અને જસપ્રીત બુમરાહે ઍલન બૉર્ડર અને સુનીલ ગાવસકર સાથે ફોટો પડાવ્યો હતો.
અશ્વિન-જાડેજાની બાદબાકી આશ્ચર્યજનક, બન્નેએ મળીને ૮૫૫ વિકેટ લીધી છે: ગાવસકર
ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા એ બન્નેને સ્થાન ન મળ્યું એનાથી સુનીલ ગાવસકર નારાજ થયા છે. તેમણે કહ્યું હતું કે બન્નેએ મળીને ટેસ્ટ-ક્રિકેટમાં ૮૫૫ વિકેટ લીધી છે, તેઓ માત્ર ભારતમાં કે ભારતીય ઉપખંડમાં જ રમી શકે છે એવું નથી.