IPL 2025ની ત્રીજી મૅચમાં મુંબઈના ૧૫૬ રનના ટાર્ગેટ સામે ચેન્નઈ ૧૯.૧ ઓવરમાં ૬ વિકેટે ૧૫૮ રન કરીને જીત્યું : રોમાંચક મૅચમાં બન્ને રવીન્દ્રએ અંતિમ ઓવર્સમાં બાજી સંભાળી, મુંબઈએ સીઝનની પહેલી મૅચ હારવાની પરંપરા જાળવી રાખી
રચિન રવીન્દ્રએ ૪૫ બૉલમાં ૬૫ રન ફટકાર્યા હતા.
IPLની ૧૮મી સીઝનની ત્રીજી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ચાર વિકેટે જીત મેળવી હતી. મુંબઈએ નવ વિકેટ ગુમાવીને ૧૫૫ રનનો સ્કોર કર્યો હતો. ૧૫૬ રનના ટાર્ગેટના જવાબમાં ૧૯.૧ ઓવરમાં ચેન્નઈએ છ વિકેટે ૧૫૮ રનની મુંબઈ સામે સળંગ ચોથી જીત નોંધાવી હતી. મુંબઈએ ૨૦૧૩થી સીઝનની પોતાની પહેલી મૅચ હારવાની પરંપરા જાળવી રાખી હતી.
ટૉસ હારીને બૅટિંગ કરવા આવેલી મુંબઈની ટીમે ૪.૪ ઓવરમાં ૩૬ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. મુંબઈની ટીમ તિલક વર્મા (પચીસ બૉલમાં ૩૧ રન), કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૨૬ બૉલમાં ૨૯ રન) અને દીપક ચહર (૧૫ બૉલમાં ૨૮ રન અણનમ)ની ઇનિંગ્સની મદદથી ૧૫૫ રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. અફઘાનિસ્તાનના મિસ્ટરી સ્પિનર નૂર અહમદે (૧૮ રનમાં ચાર વિકેટ) ચેન્નઈ માટે યાદગાર ડેબ્યુ કર્યું હતું. તેના સિવાય ફાસ્ટ બોલર ખલીલ અહમદે (૨૯ બૉલમાં ત્રણ) સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
મુંબઈ માટે ડેબ્યુ મૅચ રમનાર દીપક ચહરે પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી સામે બીજી ઓવરમાં પહેલી વિકેટ ઝડપીને મૅચને રોમાંચક બનાવી હતી. જ્યારે ઓપનર રચિન રવીન્દ્ર (૪૫ બૉલમાં ૬૫ અણનમ) અને રુતુરાજ ગાયકવાડ (૨૬ બૉલમાં ૫૩ રન) વચ્ચે ૬૭ રનની પાર્ટનરશિપ થઈ હતી, ત્યારે ઇમ્પૅક્ટ પ્લેયર ૨૪ વર્ષના સ્પિનર વિજ્ઞેશ પુથુરે (૩૨ રનમાં ત્રણ વિકેટ) કૅપ્ટનની વિકેટ લઈને ભાગીદારી તોડી હતી, પરંતુ અંતિમ ઓવર્સમાં ચેન્નઈના બન્ને રવીન્દ્રએ બાજી સંભાળીને ચેન્નઈને જીત અપાવી હતી. રવીન્દ્ર જાડેજા (૧૮ બૉલમાં ૧૭ રન)ની ૧૯મી ઓવરમાં વિકેટ પડી પછી ધોનીની એન્ટ્રીથી ચેપૉક સ્ટેડિયમમાં ફૅન્સની ખુશી ડબલ થઈ હતી.

