શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો
IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા.
બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.
23 March, 2025 11:33 IST | Kolkata | Gujarati Mid-day Correspondent