Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા પર તોળાઈ રહ્યો છે પરાજય

ઑસ્ટ્રેલિયા પર તોળાઈ રહ્યો છે પરાજય

Published : 25 November, 2024 09:14 AM | Modified : 25 November, 2024 09:29 AM | IST | Perth
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશસ્વી અને કોહલીની સેન્ચુરી અને બુમરાહે ફરી મચાવેલા તરખાટને પગલે...

સેન્ચુરી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ હજારો ફૅન્સ સાથે પત્ની અનુષ્કા શર્માને બૅટથી આપી ફ્લાઇંગ કિસ. અનુષ્કા ત્યાર બાદ ઇમોશનલ થઈ ગઈ હતી.

સેન્ચુરી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ હજારો ફૅન્સ સાથે પત્ની અનુષ્કા શર્માને બૅટથી આપી ફ્લાઇંગ કિસ. અનુષ્કા ત્યાર બાદ ઇમોશનલ થઈ ગઈ હતી.


ત્રીજા દિવસે ૪૮૭/૬ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ભારતીય ટીમે આપ્યો ૫૩૪ રનનો ટાર્ગેટ, કાંગારૂઓએ માત્ર ૧૨ રનમાં ગુમાવી દીધી ૩ વિકેટ, બુમરાહે બે વિકેટ લીધી આૅસ્ટ્રેલિયન ધરતી પર પહેલી વાર ભારતીય ઓપનિંગ જોડીએ કરી ૨૦૦ રનની પાર્ટનરશિપ વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર ભારતીય બની ગયો, આૅસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનથી આગળ નીકળ્યો, પ્રોફેશનલ ક્રિકેટની ૧૦૦મી સદી નોંધાવી


બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે બન્ને ટીમને જીત માટેનો ટાર્ગેટ મળી ગયો છે. ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારતીય ટીમે ૧૩૪.૩ ઓવરમાં ૪૮૭/૬ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી જેને કારણે ઑસ્ટ્રેલિયન ટીમને ૫૩૪ રનનો ટાર્ગેટ મળ્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે ઑસ્ટ્રેલિયાની ટીમે ૪.૨ ઓવરમાં ૧૨ રન ફટકારી ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. આગામી બે દિવસમાં પર્થ ટેસ્ટ જીતવા માટે ઑસ્ટ્રેલિયન ટીમને ૫૨૨ રનની અને ભારતીય ટીમને સાત વિકેટની જરૂર છે. પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૫૦ અને ઑસ્ટ્રેલિયા ૧૦૪ રને ઑલઆઉટ થયા હતા.



ગઈ કાલે ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ અને કે. એલ. રાહુલે ૧૭૨/૦ના સ્કોર સાથે ભારતીય ઇનિંગ્સને આગળ વધારી હતી. બન્નેએ સાથે મળીને ૩૮૩ બૉલમાં ૨૦૧ રનની પાર્ટનરશિપ કરી હતી જે ભારતીય ઓપનિંગ જોડી દ્વારા ઑસ્ટ્રેલિયન ધરતી પર પહેલી ૨૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ હતી. આ પાર્ટનરશિપમાં રાહુલે ૭૭ રન અને યશસ્વીએ ૧૦૨ રનનું યોગદાન આપ્યું હતું. ૧૯૮૬ની સિડની ટેસ્ટમાં સુનીલ ગાવસકર અને કૃષ્ણમાચારી શ્રીકાંતે ઑસ્ટ્રેલિયન ધરતી પર નોંધાવેલી ૧૯૧ રનની પાર્ટનરશિપનો રેકૉર્ડ યશસ્વી અને રાહુલે તોડ્યો હતો. કે. એલ. રાહુલ ૧૭૬ બૉલમાં ૭૭ રન ફટકારી મિચલ સ્ટાર્કની ઓવરમાં કૅચઆઉટ થયો હતો.


યશસ્વી જાયસવાલને સેન્ચુરી ફટકાર્યા બાદ અભિનંદન આપી રહેલો કે.એલ. રાહુલ. બન્નેએ સાથે મળીને ૩૮૩ બૉલમાં ૨૦૧ રનની પાર્ટનરશિપ કરી હતી. યશસ્વીએ ૧૬૧ રન અને રાહુલે ૭૭ રન ફટકાર્યા હતા.

યશસ્વી જાયસવાલ ૨૯૭ બૉલમાં ૧૬૧ રનની યાદગાર ઇનિંગ્સ રમીને મિચલ માર્શનો શિકાર બન્યો હતો. આ દરમ્યાન તેણે ૧૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. રોમાંચક સિક્સર ફટકારીને તેણે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી સેન્ચુરી નોંધાવી અને હાઇએસ્ટ પાર્ટનરશિપનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. પહેલી વાર કોઈ ભારતીય બૅટરે ઑસ્ટ્રેલિયામાં પહેલી જ ટેસ્ટમાં ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી છે. છેલ્લે ૨૦૧૪-૧૫માં ભારતીય ઓપનર તરીકે કે. એલ. રાહુલે (૧૧૦ રન) ઑસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારી હતી. લગભગ એક દાયકા બાદ યશસ્વીએ ભારતીય ઓપનર તરીકે સેન્ચુરી નોંધાવી છે.


વિરાટ કોહલીએ ૧૪૩ બૉલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમીને ત્રીસમી ટેસ્ટ-સેન્ચુરી અને ૮૧મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. ૪૯૧ દિવસ બાદ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી તેણે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડૉન બ્રૅડમૅન (૨૯ ટેસ્ટ-સેન્ચુરી)ને પાછળ છોડ્યા છે. તે ૩૦ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર દુનિયાનો સોળમો અને ભારતનો ચોથો ક્રિકેટર બન્યો છે.

ઑસ્ટ્રેલિયાની ધરતી પર તેની આ ૧૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી. પર્થમાં પોતાની બીજી ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને ઑસ્ટ્રેલિયામાં સાતમી ટેસ્ટ-સેન્ચુરી નોંધાવી છે. તે હવે સચિન તેન્ડુલકર (૬ સેન્ચુરી)ને પાછળ છોડીને ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર ભારતીય બન્યો છે. ઑસ્ટ્રેલિયા સામે તેણે ઓવરઑલ ૯ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી છે. પ્રોફેશનલ ક્રિકેટમાં હવે તેણે ૧૦૦ સેન્ચુરી ફટકારી છે.

બીજી ઇનિંગ્સમાં દેવદત્ત પડિક્કલ (૨૫ રન), ધ્રુવ જુરેલ (૧ રન) અને રિષભ પંત (૧ રન)નું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. વિરાટ કોહલી સાથે વૉશિંગ્ટન સુંદરે (૨૯ રન) છઠ્ઠી વિકેટ માટે ૮૯ રન અને નીતીશ કુમાર રેડ્ડી (અણનમ ૩૮ રન)એ સાતમી વિકેટ માટે ૭૭ રનની અતૂટ ભાગીદારી કરી હતી. વિરાટ કોહલીની સેન્ચુરી સાથે ભારતીય ટીમે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહ (એક રનમાં બે વિકેટ) અને મોહમ્મદ સિરાજ (સાત રનમાં એક વિકેટ)એ ઑસ્ટ્રેલિયાની ૪.૨ ઓવરમાં ત્રણ વિકેટ લઈને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. નૅથન મૅકસ્વીની (શૂન્ય), પૅટ કમિન્સ (બે રન) અને માર્નસ લબુશેન (૩ રન) બનાવી આઉટ થયા હતા. દિવસના અંતે ઉસ્માન ખ્વાજા (૩ રન) નૉટઆઉટ રહ્યો હતો.  

આૅસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ ટેસ્ટ રન-ચેઝનો રેકૉર્ડ બનાવી શકશે કાંગારૂઓ? 
ઑસ્ટ્રેલિયામાં સૌથી હાઇએસ્ટ ૪૧૪ રનનો ટેસ્ટ ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ કાંગારૂઓ સામે સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમ પોતાની ધરતી પર છેલ્લી વાર ૧૯૯૯માં પાકિસ્તાન સામે સૌથી મોટો ૩૬૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી શકી હતી. ભારત સામે તેઓએ પોતાની ધરતી પર છેલ્લે ૨૦૨૧માં ૩૨૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટેસ્ટ ઇતિહાસમાં ઓવરઑલ સૌથી હાઇએસ્ટ ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે જેણે મે ૨૦૦૩માં ઑસ્ટ્રેલિયા સામે ૪૧૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

કોહલીની સિક્સરથી ઘાયલ થયો સ્ટેડિયમનો સિક્યૉરિટી ગાર્ડ 


ઑસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગ્સની ૧૦૧મી ઓવર દરમ્યાન વિરાટ કોહલીએ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના બૉલ પર સિક્સર ફટકારી હતી. વિરાટે સ્ટાર્કના બહારના બૉલને થર્ડ મૅન તરફ સિક્સર ફટકારી હતી, એ બૉલ બાઉન્ડરીલાઇનની બહાર પ્રેક્ષકો પર નજર રાખવા ખુરસી પર બેઠેલા સ્ટેડિયમના એક સિક્યૉરિટી ગાર્ડના માથા પર વાગ્યો હતો. ગાર્ડની નજર ક્રાઉડ પર હતી એટલે તેને ખબર નહોતી કે બૉલ તેના તરફ આવી રહ્યો છે. માથા પર બૉલ વાગવાથી તે ગાર્ડ ખૂબ જ અસ્વસ્થ થયો હતો. ઑસ્ટ્રેલિયન ટીમના ફિઝિયો અને સ્પિનર નૅથન લાયને તેની મદદ કરી હતી. આ ઘટનાથી વિરાટ કોહલીના ચહેરા પર ચિંતા જોવા મળી હતી.

આૅસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરવા માટે બે દિવસમાં ૨૦૦ ઓવરની બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી યશસ્વી જાયસવાલે 
પાંચ મૅચની બૉર્ડર-ગાવસકર સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાની પિચ પર ઍડ્‍‍જસ્ટ થવા માટે યશસ્વી જાયસવાલે સખત પ્રૅક્ટિસ કરી હતી. રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટ ડિરેક્ટર ઝુબિન ભરૂચાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘ન્યુ ઝીલૅન્ડ સામે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર રમ્યા બાદ ઑસ્ટ્રેલિયાની ઝડપી અને બાઉન્સી પિચ પર ઍડ્‍‍જસ્ટ થવા માટે તેની પાસે ઓછો સમય હતો. એથી તેણે પોતાના ઘરના નજીકના સ્ટેડિયમમાં બે દિવસમાં ૨૦૦ ઓવરની બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. તેણે કૉન્ક્રીટ સ્લૅબને ૪૫ ડિગ્રીના ખૂણા પર રાખીને લગભગ ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાક ઝડપની બોલિંગ પર પ્રૅક્ટિસ કરી હતી. આ દરમ્યાન તેણે શરીર સાથે ઑફ સ્ટમ્પને નિશાન બનાવતા બૉલ પર બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી.’ 

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 09:29 AM IST | Perth | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK