ઘરઆંગણે અને વિદેશમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ થયું સખત : જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડ-ટૂરથી લાગુ થઈ શકે છે આ નવા નિયમો
વિરાટ કોહલી અને અનુષ્કા, રોહિત શર્મા અને રીતિકા
ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે ૦-૩થી અને ઑસ્ટ્રેલિયામાં ૧-૩થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ઍક્શનમાં આવ્યું છે. કૅપ્ટન, ચીફ સિલેક્ટર, હેડ કોચ અને મૅનેજમેન્ટ દ્વારા થયેલી સમીક્ષા-બેઠકમાં શિસ્તભંગ વિશે પગલાં લેવાનું વિચારવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર ટીમના સભ્યોની પત્ની, ગર્લફ્રેન્ડ, મૅનેજર, સામાન, સૅલેરી અને અલગથી ટ્રાવેલ કરવા વિશે ભારતીય ક્રિકેટ બોર્ડે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડ-ટૂરથી આ નવા નિયમો લાગુ થઈ શકે છે.
જો BCCI આ નિર્ણય લે છે તો ૪૫ દિવસ કે એથી વધુ સમયના ટૂર પર પ્લેયર્સ તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને ફક્ત બે અઠવાડિયાં માટે જ પોતાની સાથે રાખી શકશે. જો ટૂર ૪૫ દિવસથી ઓછા સમય માટે હોય તો આ સમયગાળો એક અઠવાડિયાનો હોઈ શકે છે.
ADVERTISEMENT
ટીમની એકતાને ધ્યાનમાં રાખીને તમામે ટીમ-બસમાં જ ટ્રાવેલ કરવું પડશે. ઑસ્ટ્રેલિયા-ટૂર દરમ્યાન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા પ્લેયર્સે પોતાની પત્ની અને બાળકો સાથે અલગથી કારમાં ટ્રાવેલ કર્યું હતું.
પ્લેયર્સ અને હેડ કોચના પર્સનલ મૅનેજરની VIP બૉક્સની ટિકિટ અને ટીમ-બસમાં મુસાફરી પર નિયંત્રણ વિશેના નિર્ણયો લેવાઈ શકે છે.
ટૂર દરમ્યાન પ્લેયર્સ પાસે ૧૫૦ કિલો જેટલો જ સામાન માન્ય ગણાશે. એનાથી વધુ વજનના સામાન માટે ચાર્જ લાગશે.
સમીક્ષા-બેઠકમાં પ્લેયર્સના પ્રદર્શનના આધારે સૅલેરી નક્કી કરવા વિશે પણ વિચાર કરવામાં આવ્યો છે.

