ઘણા લાંબા સમયથી ટીમમાંથી બહાર હોવા છતાં શફાલી વર્મા, સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર કૉન્ટ્રૅક્ટમાં જળવાઈ રહી
શફાલી વર્મા
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ૨૦૨૪-’૨૫ માટે ૧૬ મહિલા ક્રિકેટર્સને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં સામેલ કરી છે. આ પહેલાં ૧૭ પ્લેયર્સને કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ સહિત છ પ્લેયર્સને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવામાં આવ્યાં છે, જ્યારે શ્રેયંકા પાટીલ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, ઉમા છેત્રી અને અમનજોત કૌરે કૉન્ટ્રૅક્ટમાં એન્ટ્રી કરી છે. મીડિયમ ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર અને ઓપનર શફાલી વર્મા ઑક્ટોબર ૨૦૨૪ પછી તથા ઑલરાઉન્ડર સ્નેહ રાણા જુલાઈ ૨૦૨૪ બાદ ટીમમાં વાપસી કરી શકી નથી છતાં તેમને આ કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. ગયા વખતની જેમ કૅપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને ગ્રેડ ‘એ’નો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.
ગ્રેડ મુજબ ૧૬ મહિલા ક્રિકેટર્સનું સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટનું લિસ્ટ
ગ્રેડ ‘એ’ (૫૦ લાખ રૂપિયા) : હરમનપ્રીત કૌર, સ્મૃતિ માન્ધના, દીપ્તિ શર્મા.
ગ્રેડ ‘બી’ (૩૦ લાખ રૂપિયા) : રેણુકા સિંહ, જેમિમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ, શફાલી વર્મા.
ગ્રેડ ‘સી’ (૧૦ લાખ રૂપિયા) : યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર.

