ડૉન બ્રૅડમૅન બાદ ઍશિઝનો નંબર ટૂ હાઇએસ્ટ રન-સ્કોરર અને શતકવીર બન્યો, પહેલી ઇનિંગ્સમાં ૭ વિકેટે ૫૧૮નો સ્કોર કરી ઑસ્ટ્રેલિયાએ ૧૩૪ રનની લીડ મેળવી
હેડે ૧૬૬ બૉલમાં ૨૪ ફોર અને એક સિક્સરના આધારે ૧૬૩ રન કર્યા હતા (ડાબે); હોમટાઉનમાં સ્મિથે ૨૦૫ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સર સાથે ૧૨૯ રન કર્યા (જમણે)
ઍશિઝ ટેસ્ટ-સિરીઝની અંતિમ ટેસ્ટ-મૅચમાં બે શાનદાર વ્યક્તિગત સદીના આધારે ઑસ્ટ્રેલિયાએ પકડ મજબૂત કરી લીધી છે. ઇંગ્લૅન્ડના ૩૮૪ રન સામે યજમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ત્રીજા દિવસના અંત સુધીમાં ૧૨૪ ઓવરમાં ૭ વિકેટે ૫૧૮ રન કર્યા હતા. ટ્રૅવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી કાંગારૂઓ ઇંગ્લૅન્ડથી ૧૩૪ રન આગળ નીકળી ગયા છે. ઑસ્ટ્રેલિયા વર્તમાન સિરીઝમાં ૩-૧થી આગળ છે.
ગઈ કાલે ૩૫મી ઓવરમાં બે વિકેટે ૧૬૬ રનના સ્કોરથી ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સની આગળ વધવાની શરૂઆત થઈ હતી. બીજા દિવસે ૯૧ રન કરનાર ટ્રૅવિસ હેડે ગઈ કાલે સિડનીમાં પોતાની પહેલી ટેસ્ટ-સદી પૂરી કરી હતી. તેણે ૧૬૬ બૉલમાં ૨૪ ફોર અને એક સિક્સરના આધારે ૧૬૩ રન કર્યા હતા. કૅપ્ટન સ્ટીવ સ્મિથ પોતાના હોમટાઉનમાં ૨૦૫ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સરની મદદથી ૧૨૯ રન કરીને અણનમ રહ્યો હતો.
ADVERTISEMENT
કાંગારૂઓ માટે કરીઅરની અંતિમ મૅચ રમી રહેલા ઉસ્માન ખ્વાજાએ છઠ્ઠા ક્રમના બૅટર તરીકે ૪૯ બૉલમાં બે ફોર ફટકારીને ૧૭ રન કર્યા હતા. કૅમરન ગ્રીને ૩૭, બો વેબ્સ્ટરે ૪૨, માઇકલ નેસરે ૨૪ અને ઍલેક્સ કેરીએ ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. અંગ્રેજ ટીમના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને ૩ વિકેટ, બેન સ્ટોક્સને બે વિકેટ અને જેકબ બેથલ અને જૉશ ટંગને ૧-૧ વિકેટ મળી હતી. ત્રીજા દિવસની રમતમાં વિલ જૅક્સ સહિતના પ્લેયર્સે લગભગ ૪ કૅચ છોડ્યા હતા.
ડૉન બ્રૅડમૅનનો એક રેકૉર્ડ તોડ્યો અને બીજો તોડવાની તૈયારીમાં છે સ્ટીવ સ્મિથ
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે સૌથી વધુ રન કરવાના મામલે સ્ટીવ સ્મિથે કાંગારૂ ટીમના ભૂતપૂર્વ બૅટર ડૉન બ્રૅડમૅનને પાછળ છોડ્યા છે. આ હરીફ સામે ડૉન બ્રૅડમૅને ૩૭ મૅચમાં ૫૦૨૮ રન કર્યા હતા. હવે સ્ટીવ સ્મિથે ૫૦૮૫ રન કરીને આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
ઍશિઝ સિરીઝના ઇતિહાસમાં ડૉન બ્રૅડમૅન બાદ હવે સ્ટીવ સ્મિથના સૌથી વધુ રન છે. ડૉન બ્રૅડમૅને ૬૩ ઇનિંગ્સમાં ૫૦૨૮ રન કર્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથ ૭૩ ઇનિંગ્સમાં ૩૬૮૨ રન કરીને બીજા ક્રમે છે.
37
આટલી ટેસ્ટ-સદી ફટકારી છે સ્ટીવ સ્મિથે. રાહુલ દ્રવિડ (૩૬ સદી)ને પછાડીને સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનારો છઠ્ઠો બૅટર બન્યો.
13
આટલી સદી ફટકારી સ્મિથે ઍશિઝમાં. બ્રૅડમૅનની ૧૯ સદી બાદ બીજા ક્રમે છે.
|
ઍશિઝ ટેસ્ટ-સિરીઝના હાઇએસ્ટ રન-સ્કોરર |
|
|
ડૉન બ્રૅડમૅન (ઑસ્ટ્રેલિયા) |
૬૩ ઇનિંગ્સમાં ૫૦૨૮ રન |
|
સ્ટીવ સ્મિથ (ઑસ્ટ્રેલિયા) |
૭૩ ઇનિંગ્સમાં ૩૬૮૨ રન |
|
જૅક હોબ્સ (ઇંગ્લૅન્ડ) |
ઇનિંગ્સમાં ૩૬૩૬ રન |
|
સ્ટીવ વો (ઑસ્ટ્રેલિયા) |
૭૨ ઇનિંગ્સમાં ૩૧૭૩ રન |
|
ડેવિડ ગોવર (ઇંગ્લૅન્ડ) |
૬૯ ઇનિંગ્સમાં ૩૦૩૭ રન |


