Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેએ કાઢ્યાં છોતરાં: લોન ચૂકવનારા અને ફટાકડા ફોડનારા બજેટને ૨૦૪૭માં કોણ જોશે?

ઉદ્ધવ ઠાકરેએ કાઢ્યાં છોતરાં: લોન ચૂકવનારા અને ફટાકડા ફોડનારા બજેટને ૨૦૪૭માં કોણ જોશે?

Published : 07 March, 2026 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્ધવ ઠાકરેએ આ બજેટને ખેડૂતો માટે છેતરપિંડી ગણાવતાં કહ્યું હતું કે, ‘બધાને ખબર પડશે કે કોઈના જીવનમાં કોઈ ફરક પડ્યો નથી`

ગઈ કાલે વિધાનભવનમાં ઉદ્ધવ ઠાકરે

ગઈ કાલે વિધાનભવનમાં ઉદ્ધવ ઠાકરે


રાજ્ય સરકારના બજેટની ટીકા કરતાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર-પરિષદ બોલાવીને તેમની આગવી શૈલીમાં કહ્યું હતું કે ‘ચૂંટણી દરમ્યાન સરકારે મારેલી ધાપની ક્લિપ હજી પણ મારા ફોનમાં છે. અમે ખેડૂતોનાં બે લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કર્યાં હતાં. આ તો જાણે લોન લઈને ફટાકડા ફોડવા જેવું બજેટ કહી શકાય. સાથે જ લાડકી બહેનોને ૨૧૦૦ રૂપિયા પણ આપ્યા નથી.’

ઉદ્ધવ ઠાકરેએ આ બજેટને ખેડૂતો માટે છેતરપિંડી ગણાવતાં કહ્યું હતું કે ‘બધાને ખબર પડશે કે કોઈના જીવનમાં કોઈ ફરક પડ્યો નથી. આ બજેટમાં તાળીઓના ગડગડાટ વધ્યા છે. શબ્દનો ખેલ રમાયો છે. શું વર્તમાન લોનમુક્તિ કે રાહત ૨૦૪૭ સુધીમાં પૂર્ણ થશે? ૨૦૪૭ કોણ જોશે? ખેડૂતોના હાથમાં શું આવ્યું છે?’



ગુજરાત-મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થવાની છે એની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મુંબઈનો માણસ ગુજરાત જઈને શું કરશે? BJP ૨૦૪૭ના વર્ષ સુધી ટકી શકશે નહીં, એ તો ફક્ત દેવાના ડુંગર ઊભા કરી રહી છે. હું બાળાસાહેબ ઠાકરે સ્મારકનો પ્રમુખ છું. કોઈ ભંડોળ નથી અને તેઓ મને કહી રહ્યા છે કે એ કેટલા સમયમાં પૂરું થશે.’


૩૦૦ કરોડ વૃક્ષો વાવવા માટે જમીન ક્યાં છે?

રાજ્ય સરકારે ૩૦૦ કરોડ વૃક્ષ રોપવાનો પ્લાન બનાવ્યો છે એ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બનાવવા માગો છો ત્યારે તમે લોકોને કાઢી મૂકો છો, વૃક્ષોની છટણી કરો છો તો પછી આ ૩૦૦ કરોડ વૃક્ષો વાવવા માટે જમીન ક્યાંથી મેળવશો?’


સામસામે આવી ગયા રથી–મહારથી

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પત્રકાર-પરિષદ સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સામે અત્યારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવી ગયા હતા. બન્ને એકબીજાને સ્માઇલ આપીને એક મિનિટ વાતચીત કર્યા પછી છૂટા પડ્યા હતા. જોકે એ પછી તરત જ ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામસામે આવી ગયા હતા. જોકે બન્નેએ એકમેક સાથે વાત કરવાનું ટાળ્યું હતું, પણ જાણે એકબીજાને ઓળખતા જ ન હોય એ રીતે લગોલગ હોવા છતાં સામેથી પસાર થઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK