હુગલીમાં કલ્યાણ બૅનરજી પર હુમલો, પહેલાં કાળા ઝંડા બતાવ્યા, પછી લાત અને મુક્કાથી માર મારવામાં આવ્યો
કલ્યાણ બૅનરજી પર પોલીસ-સ્ટેશનની બહાર હુમલો થયો હતો. હુમલા પછી તરત કલ્યાણ બૅનરજીના ઘરે તેમની ખબર પૂછવા મમતા પહોંચી ગયાં હતાં.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિષેક બૅનરજી પર થયેલા હુમલા બાદ ગઈ કાલે આ જ પાર્ટીના બીજા નેતા કલ્યાણ બૅનરજી પર હુગલીમાં હુમલો થયો હતો. આ ઘટનાનો વિડિયો પણ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. લોકસભામાં પાર્ટીના ચીફ વ્હિપ એવા સંસદસભ્ય કલ્યાણ બૅનરજી હુગલીમાં ચંડીતલા પોલીસ-સ્ટેશનમાં મેમોરેન્ડમ આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમને વિરોધીઓએ ઘેરી લીધા હતા. તેમણે કાળા ઝંડા લહેરાવ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યો હતો અને એ સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. લોકોએ તેમની મારપીટ પણ કરી હતી. આ હુમલામાં કલ્યાણ બૅનરજી લોહીલુહાણ થયા હતા. તેમણે લોહી નીકળતાં માથા પર રૂમાલ લગાવ્યો હતો.
આ ઘટના બાદ BJPના કાર્યકરોએ તૃણમૂલ કૉન્ગ્રેસવિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું અને વિરોધ કરી રહેલા સમર્થકોને ચોર ગણાવ્યા હતા જેને કારણે પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હતી અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વધતી જતી અરાજકતાને કાબૂમાં લેવા અને વધુ હિંસા અટકાવવા માટે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની મોટી ટુકડી ઘટનાસ્થળે તહેનાત કરવી પડી હતી.
આ સંદર્ભમાં કલ્યાણ બૅનરજીએ આરોપ લગાવ્યો હતો કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ મારા પર હુમલો કર્યો હતો. હું એકલો આવી રહ્યો હતો. મારી સાથે કોઈ નહોતું. દસથી ૧૫ લોકોએ ભગવા સ્કાર્ફ પહેરીને હુમલો કર્યો હતો. એક જણે મારા પર પથ્થર માર્યો હતો. BJPના સભ્યોએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મારા માથા પર ડ્યુસ બૉલ માર્યો હતો. મારા માથામાંથી લોહી નીકળે છે. હવે લોકો નક્કી કરશે કે સંસદસભ્યોને સતત આ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે એ સાચું છે કે ખોટું છે.’
ADVERTISEMENT
કલ્યાણ બૅનરજી નાટક કરે છે : BJP
પશ્ચિમ બંગાળ BJPએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ‘કલ્યાણ બૅનરજી ઘાયલ થયા નથી. તેમણે વિક્ટિમ કાર્ડ રમવા અને જાહેર સમર્થન મેળવવા માટે પોતાની ઈજાનો ખોટો ઉપયોગ કર્યો હતો. તેમણે લાઇમલાઇટમાં રહેવા આ ડ્રામા કર્યો હતો.’
BJP લોકશાહીની હત્યા કરી રહી છે : મમતા બૅનરજી
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીએ તેમના બે સંસદસભ્યો પર હુમલો થયા બાદ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘BJPના સમર્થકોએ તૃણમૂલ કૉન્ગ્રેસના લોકસભાના લીડર અભિષેક બૅનરજી પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો. હવે તેમણે લોકસભામાં અમારા ચીફ વ્હિપ કલ્યાણ બૅનરજી પર હુમલો કર્યો છે. BJP લોકશાહીની હત્યા કરી રહી છે.’
અભિષેક બૅનરજી પર થયેલા હુમલાના કેસમાં ૬ની અરેસ્ટ: મમતા બૅનરજીએ કહ્યું, હેલ્મેટ ન પહેરી હોત તો જીવ જતો રહ્યો હોત ઃ હૉસ્પિટલે મામૂલી ઈજા ગણાવીને ડિસ્ચાર્જ આપી દીધો
પશ્ચિમ બંગાળમાં TMCના સંસદસભ્ય અભિષેક બૅનરજી પર થયેલા હુમલા પછી આરોપો અને પ્રત્યારોપોનું રાજકારણ શરૂ થઈ ગયું છે. મમતા બૅરનજીએ આ હુમલાને ષડ્યંત્ર ગણાવીને કહ્યું હતું કે જો અભિષેકે હેલ્મેટ ન પહેરી હોત તો તેનો જીવ પણ જઈ શકે અમે હતો. અભિષેકે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં એક યુવક તેને સામેથી પથ્થર મારે છે જે તેની હેલ્મેટને લાગે છે. એ વિડિયો શૅર કરીને તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘લોકોએ મારી આંખ અને માથા પર પથ્થર માર્યા હતા. મેં હેલ્મેટ પહેરી હતી, નહીં તર એનાથી મારા માથાના બે ટુકડા જ થઈ ગયા હોત.’ હુમલા પછી અભિષેકને અપોલો હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો અને કહ્યું હતું કે ઈજા મામૂલી છે અને ઘરે આરામ કરવાથી ઠીક થઈ જશે. એ પછી તેમને બેલે વ્યુ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મમતા બૅનરજીએ આરોપ લગાવ્યો હતો કે ‘અભિષેકની હાલત ગંભીર નહોતી તો તેને ઇન્ટેન્સિવ થેરપી યુનિટ (ITU)માં કેમ રાખવામાં આવ્યો? અને પછી અચાનક છુટ્ટી કેમ આપી દીધી? હવે અભિષેકની સારવાર ઘરે જ થશે. તેમના ઘરે જ ઑક્સિજન સિલિન્ડર અને અન્ય મેડિકલ ઉપકરણો લગાવવામાં આવ્યાં છે.’
BJPએ માર્યા હોત તો અભિષેક કે TMCનું નામોનિશાન ન હોત: દિલીપ ઘોષ, BJP
અભિષેક બૅનરજી સહિત તૃણમૂલ કૉન્ગ્રેસના આ હુમલો BJPએ કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યા કરે છે અને પશ્ચિમ બંગાળમાં શાસન અને સુવ્યવસ્થા નથી રહી એની દુહાઈ આપ્યા કરે છે. એના જવાબમાં BJPના કેબિનેટ મિનિસ્ટર દિલીપ ઘોષે આક્રમક પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, ‘અભિષેક બૅનરજી પર હુમલો કરવા અને તેમને ખતમ કરવાનો આરોપ BJP પર લગાવાઈરહ્યો છે, પણ જો ખરેખર BJP વાસ્તવમાં એવું કરવા ઇચ્છતી હોત તો ચૂંટણી જીત્યા પછી ૧૫ દિવસ પણ ન લગાવત. TMCનું નામોનિશાન ન મળત. BJPએ સ્તામાં આવીને કાનૂનવ્યવસ્તા જાળવી રાખવાની કોશિશ કરી છે અને પાર્ટી કોઈને ક્યારેય કાયદો હાથમાં લેવાની અનુમતિ નથી આપતી. છેલ્લા ૧૫ વર્ષોમાં રાજ્યમાં ૪૦,૦૦૦ લોકોની હત્યા થઈ હતી. જનતાએ TMCના શાસનમાં જે હિંસા ભોગવી છે ત્યારે હવે લોકો જવાબ માગે છે. ’
આજે રાજ્યભરમાં TMC દ્વારા થશે વિરોધ-પ્રદર્શન, કાલે મમતા બૅનરજી એક દિવસનાં ધરણાં પર બેસશે
તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પર થઈ રહેલા કથિત હુમલાઓની સામે TMCનાં ચીફ મમતા બૅનરજીએ કલકત્તામાં ધરણાં કરવાનું નક્કી કર્યું છે. આજે પહેલી જૂને TMCના કાર્યકર્તાઓ આખા રાજ્યમાં હુમલા વિરુદ્ધ પ્રદર્શન કરવાના છે અને બીજી જૂને કલકત્તાના રાણી રશ્મોની રોડ પર એક દિવસ માટે ધરણાં પર બેસશે. અભિષેક બૅનરજી ચૂંટણી પછી થયેલી હિંસામાં ઘાયલ કાર્યકરોને મળવા સાઉથ ૨૪ પરગણાના સોનારપુરમાં ગયા હતા ત્યારે તેમના પર ઈંટ અને પથ્થરથી હુમલો થયો હતો. અભિષેક બૅનરજીએ કહ્યું હતું કે ‘આ BJP દ્વારા સ્પૉન્સર્ડ અને પ્લાન થયેલો હુમલો છે. એ અચાનક ફાટેલો લોકોનો ગુસ્સો નહોતો. હું આજે રાજકીય હિંસાનો વિક્ટિમ છું અને એ દેશની રક્ષા કરવાનો દાવો કરનારા લોકોની આતંકવાદી માનસિકતા છતી કરે છે.’
મમતા બૅનરજીને મળ્યો મોટો ઝટકો: TMCના વિધાનસભ્યોની અર્જન્ટ બેઠક બોલાવી તો ૮૦માંથી ૬૦ ગેરહાજર
રવિવારે મમતા બૅનરજીએ પોતાના નિવાસસ્થાને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના વિધાનસભ્યોની મહત્ત્વની બેઠક બોલાવી હતી. જોકે એ બેઠકમાં ૬૦ વિધાનસભ્યો પહોંચ્યા જ નહીં એટલે મીટિંગ રદ કરી દેવી પડી હતી. જોકે પાર્ટીએ પાછળથી આ બાબતે બચાવ કર્યો હતો કે વિધાનસભ્યો અભિષેક બૅનરજી અને કલ્યાણ બૅનરજી પર થયેલા હુમલાના મામલે વ્યસ્ત હતા એટલે બેઠકમાં પહોંચી શક્યા નહોતા. TMCની જ અંદરનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘TMC નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયે અર્જન્ટ બેઠક મમતા બૅનરજીના ઘરે બોલાવી હતી. ઘણો સમય રાહ જોઈ, પરંતુ ૬૦ જેટલા વિધાનસભ્યો મીટિંગ માટે પહોંચ્યા જ નહીં. નવાઈની વાત એ હતી કે ગેરહાજર વિધાનસભ્યોનો સંપર્ક પણ નહોતો થઈ રહ્યો. એને કારણે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે TMCમાં બહુ મોટી ફૂટ પડવા જઈ રહી છે કે શું?’
આજે પશ્ચિમ બંગાળમાં વધુ ૩૫ પ્રધાનો લેશે શપથ
પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની સરકારના ગઠનનો બીજો તબક્કો આજે પૂરો થશે. આજે કૅબિનેટનો વિસ્તાર થશે અને ૩૫ નવા પ્રધાનો શપથ લેશે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર સુવેન્દુ અધિકારીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘રાજ્યના પ્રધાનમંડળનું સોમવારે ૧૧ વાગ્યે વિસ્તરણ થશે. ૩૫ નવા પ્રધાનો સરકારમાં જોડાશે. લોકભવનમાં રાજ્યપાલ આર. એન. રવિ તેમને ગોપનીયતાની શપથ લેવડાવશે.’ કયા ૩૫ પ્રધાનોની પસંદગી થઈ છે એના વિશે સ્પષ્ટતા કરવામાં નથી આવી.
