આગરામાં પત્નીના કહેવાતા ત્રાસથી TCSના મૅનેજરે સુસાઇડ કરતાં પહેલાં વિડિયો તૈયાર કરીને કહ્યું...
માનવ શર્મા અને તેમની પત્ની નિકિતા
પત્ની અને સાસરિયાંના કહેવાતા ત્રાસથી કંટાળીને આગરામાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના ૩૪ વર્ષના મૅનેજર માનવ શર્માએ ગયા સોમવારે સુસાઇડ કર્યું હતું અને એ પહેલાં ૬ મિનિટ ૫૭ સેકન્ડનો એક વિડિયો તૈયાર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે પ્લીઝ પુરુષો વિશે પણ વિચાર કરો, તેઓ એકલા થઈ જાય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન ગળામાં ફંદો લગાવે છે અને સાથે તેની આંખોમાં આંસુ છે.
બૅન્ગલોર જેવો કેસ
ADVERTISEMENT
બૅન્ગલોરના અતુલ સુભાષ જેવા આ કેસમાં માનવ શર્માએ પણ આત્મહત્યા કરી લીધી હતી. માનવ શર્માએ વિડિયોમાં કહ્યું હતું કે ‘પત્નીના ત્રાસથી કંટાળી ગયો છું. મમ્મી-પપ્પા, સૉરી, અક્કુ સૉરી, હવે હું અલવિદા કરું છું. હું પહેલાં પણ સુસાઇડ કરવાનો પ્રયાસ કરી ચૂક્યો છું.’
બૉયફ્રેન્ડ સાથે રહે છે
માનવ શર્માએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની મુંબઈમાં તેના બૉયફ્રેન્ડ સાથે રહે છે, તેનું ચારિય સારું નથી.
૨૦૨૪માં લગ્ન
માનવ શર્માનાં લગ્ન ૨૦૨૪ની ૩૦ જાન્યુઆરીએ થયાં હતાં અને માનવ TCSમાં કામ કરતો હોવાથી પતિ-પત્ની કામ માટે મુંબઈ રહેવા આવી ગયાં હતાં. માનવના પિતાના કહેવા મુજબ માનવની પત્ની ઝઘડા કરતી રહેતી હતી અને ખોટા કેસમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. ૨૩ ફેબ્રુઆરીએ માનવ અને તેની પત્ની મુંબઈથી આગરા આવ્યાં હતાં અને એ જ દિવસે માનવ તેને પિયર છોડવા ગયો હતો અને ૨૪ ફેબ્રુઆરીએ તેણે સુસાઇડ કરી લીધું હતું.
પિતા રિટાયર્ડ
માનવના પિતા નરેન્દ્ર કુમાર શર્મા ઍરફોર્સમાંથી રિટાયર થયા છે અને પુત્રના આકસ્મિક નિધનથી આઘાતમાં છે. માનવના મોબાઇલમાંથી સુસાઇડ પહેલાંનો વિડિયો મળી આવ્યો છે. તેમનું કહેવું છે કે સિસ્ટમ પાસેથી હું ન્યાય માગું છું, જેથી બીજા કોઈએ આ પ્રકારનું પગલું ભરવું ન પડે.
માનવ શર્માની પત્નીએ શું સફાઈ આપી?
માનવ શર્માની પત્ની નિકિતાએ તેના પર મૂકવામાં આવેલા આરોપો વિશે જણાવ્યું હતું કે ‘મારે કોઈ લગ્નબાહ્ય સંબંધ નથી અને મેં તેને કોઈ પ્રકારનો ત્રાસ આપ્યો નથી. માનવે પહેલાં પણ ત્રણ વાર સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને મેં તેને સુસાઇડ કરતાં રોક્યો હતો. તેણે હાથની નસ કાપવાની કોશિશ કરી હતી. તે દારૂ પીને મને માર મારતો હતો. અમારી વચ્ચે ઝઘડા થતા ત્યારે માનવના પિતા અમને કહેતા કે એ તમારી આપસની મૅટર છે એમાં તમે જ સમાધાન કરો.’
નિકિતાએ તેની નણંદ સાથેની એક વૉટ્સઍપ ચૅટ પણ શૅર કરી હતી જેમાં તેણે ડર વ્યક્ત કર્યો હતો કે માનવ કંઈક કરી લેશે, જેની સામે માનવની બહેને તેને કહ્યું હતું કે તે કંઈ નહીં કરે, તું રિલૅક્સ રહે.


