જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ મોદીએ મુકાવી
નવી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં રસી મુકાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પી.ટી.આઇ.)
વરિષ્ઠ નાગરિકો તેમ જ ૪૬થી ૫૯ની વયના કો-મોર્બિડિટીઝને ગઈ કાલે કોવિડ-19ની રસીકરણ ઝુંબેશમાં આવરી લેવા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વયજૂથના રસી લેનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. રસીકરણ માટેના રજિસ્ટ્રેશનની શરૂઆત સવારે ૯ વાગ્યે થઈ હતી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રસી લેનારાઓમાં સૌપ્રથમ રહ્યા હતા. તેઓએ ભારત બાયોટેકની કોવૅક્સિનનો ડોઝ લીધો હતો તથા દેશના તમામ નાગરિકોને રસી લેવાની અપીલ કરી હતી, જેની માહિતી તેમણે ટ્વિટર પર પણ શૅર કરી હતી. આ રસીને ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમ્યાન જ ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી, જેના પર વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. રસી લીધા બાદ પ્રોટોકોલ મુજબ અડધો કલાક આરામ લીધો હતો. ૨૮ દિવસ બાદ તેઓ રસીનો બીજો ડોઝ મેળવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે રસી લેવા આવ્યાનું જાણીને એઇમ્સનો મેડિકલ સ્ટાફ અભિભૂત થવા સાથે જ થોડો તનાવમાં જણાઈ રહ્યો હતો. વાતાવરણમાં છવાયેલી ગંભીરતાને પારખીને વડા પ્રધાન મોદીએ નર્સ સાથે તેમના ઘર અને વતનની વાતો કરવાનું શરૂ કર્યું હતું તથા વાતાવરણને હળવું બનાવવા વડા પ્રધાને નર્સને રસી આપવા માટે તેઓ જનાવરોને રસી આપવા માટે ઉપયોગમાં લેવાતી સોય તો નહીં વાપરેને? એવો પ્રશ્ન કર્યો હતો. વડા પ્રધાન મોદીનો પ્રશ્ન નર્સોને ન સમજાતાં સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે રાજકારણીઓ જાડી ચામડીના હોવાનું મનાય છે આથી તેઓ તેમને રસી આપવા માટે ઢોરો માટે ઉપયોગમાં લેવાતી જાડી સોય તો વાપરવાના નથીને? વડા પ્રધાન મોદીની આ રમૂજથી નર્સો રાહત અનુભવતાં હસી પડી હતી. રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્વિટર પર એની માહિતી આપતાં તેમણે લખ્યું હતું કે રસી ક્યારે આપી એ ખબર પણ પડી નહીં. દેશભરમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે પણ રસી લીધી હતી.
ADVERTISEMENT
ભારત બાયોટેકે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
કોરોનાની રસી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું પાડેલું દૃષ્ટાંત મહામારી સામેની રસીકરણની ઝુંબેશને વ્યાપક વેગ આપશે, એવું શહેરના રસી ઉત્પાદક ભારત બાયોટેકે સોમવારે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીને દિલ્હીમાં એઇમ્સ ખાતે ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોવૅક્સિન રસી આપવામાં આવી હતી.ભારત બાયોટેક ઇન્ટરનૅશનલ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલ્લાએ જણાવ્યું હતું કે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લેવા બદલ અમે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ. તેમણે દેશના નાગરિકો સમક્ષ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, જે રસી લેવા વિશે લોકોમાં પ્રવર્તી રહેલા ખચકાટને દૂર કરવામાં મદદરૂપ બનશે.
ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ચેન્નઈમાં તો બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે (નીચે) ગઈ કાલે પટનામાં કોરોનાની વૅક્સિન મુકાવી હતી. (તસવીરો: પી.ટી.આઇ.)
મુખ્ય પ્રધાન રૂપાણીનાં પત્ની અંજલિબહેને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં પત્ની અંજલિબહેન રૂપાણીએ ભાટ ગામની પાસે આવેલ અપોલો હૉસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. બીજી તરફ કોરોનાને મહાત આપીને આવેલા સીએમ રૂપાણીએ સિનિયર સિટિઝનોને અપીલ કરી છે કે લોકો આ રસી લેવાનું ન ચૂકશો તેમ જ ખોટી ભ્રામક વાતોમાં આવીને રસી ન લેવાનું કાર્ય ન કરતાં.

