Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની ૧૦ જણને ચૅલેન્જ આપી વડા પ્રધાને

તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની ૧૦ જણને ચૅલેન્જ આપી વડા પ્રધાને

Published : 24 February, 2025 07:24 AM | Modified : 25 February, 2025 07:14 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેદસ્વિતા ઘટાડીને સ્વસ્થતા વધારવાની દિશામાં નરેન્દ્ર મોદીની અનુકરણીય પહેલ- મન કી બાત કાર્યક્રમમાં PMએ કહ્યું કે જે ૧૦ જણ આ ચૅલેન્જ સ્વીકારશે તેમણે આવી જ ચૅલેન્જ બીજા ૧૦ લોકોને આપવાની રહેશે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતાના વધતા જતા પ્રભાવને ઓછો કરવા માટે દેશવાસીઓએ તેમના ખાદ્યતેલના વપરાશમાં ૧૦ ટકાનો કાપ મૂકવાની અપીલ કરી હતી.

આધુનિક જીવનશૈલીને કારણે સ્વાસ્થ્યની સમસ્યા વધી રહી છે અને એમાંય ખાસ કરીને સ્થૂળતાનો વ્યાપ વધી રહ્યો છે એ વિષયને ઉઠાવતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકોએ તેમના ભોજનમાં ૧૦ ટકા ખાદ્યતેલનો કાપ મૂકવો જોઈએ. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયામાં જાગૃતિ પેદા કરવા માટે ૧૦ લોકોએ ખાદ્યતેલમાં ૧૦ ટકા કાપ કરવા માટે ચૅલેન્જ લેવાની વાત કરી હતી. આ ૧૦ લોકો બીજા ૧૦ લોકોને આવી ચૅલેન્જ આપે એમ તેમણે અપીલ કરી હતી.



‘મન કી બાત’ના ૧૧૯મા એપિસોડમાં તેમણે સ્થૂળતાના મુદ્દે ઑલિમ્પિક ખેલાડી નીરજ ચોપડા, નિખત ઝરીન અને સ્વાસ્થ્યનિષ્ણાત ડૉ. દેવી શેટ્ટી સાથે થયેલી વાતચીત સંભળાવી હતી. તેમણે કહ્યું કે ખાદ્યતેલના ઓછા વપરાશથી સ્થૂળતા ઓછી કરવાનો વ્યક્તિગત વિષય નથી પણ પરિવાર પ્રતિ આપણી જવાબદારી પણ છે. ખાન-પાનમાં તેલના વધારે વપરાશથી હાર્ટની બીમારી, શુગર અને હાઈ બ્લડ-પ્રેશર જેવી અનેક બીમારીઓનો ખતરો વધે છે. ખાન-પાનમાં નાના-નાના બદલાવથી આપણે આપણું ભવિષ્ય મજબૂત બનાવવાની સાથે-સાથે તંદુરસ્તી મેળવી શકીએ છીએ અને શરીરને સશક્ત અને રોગમુક્ત બનાવી શકીએ છીએ.


વડા પ્રધાને અપીલ કરી હતી કે ‘તમે નક્કી કરો કે દર મહિને ૧૦ ટકા તેલનો ઉપયોગ ઓછો કરીશું. તમે તેલની ખરીદીમાં ૧૦ ટકાનો કાપ મૂકશો. આ સ્થૂળતા ઓછી કરવાની દિશામાં મહત્ત્વનું પગલું બની રહેશે. આ એપિસોડ બાદ હું ૧૦ લોકોને વિનંતી અને ચૅલેન્જ આપીશ કે શું તેઓ તેમના તેલના વપરાશમાં ૧૦ ટકાનો કાપ મૂકશે? હું તેમને પણ વિનંતી કરીશ કે તેઓ આવી જ ચૅલેન્જ બીજા ૧૦ લોકોને આપે. મને ખાતરી છે કે સ્થૂળતા સામે લડવામાં આવી ચૅલેન્જ ખૂબ ઉપયોગી નીવડશે.’

 


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 07:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK