NHAI toll fraud case: EDના લખનૌ ઝોનલ ઓફિસે NHAIના વિવિધ ટોલ પ્લાઝા પર કથિત બોગસ ટોલ વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી; ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને કોલકાતા સ્થિત પરિસરોમાં દરોડા
EDની ઓફિસની ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (National Highways Authority of India)ના ટોલ પ્લાઝા પર બોગસ ટોલ વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં બુધવાર, ૨ સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોમાં ૧૪ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ (Prevention of Money Laundering Act, 2002) હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), રાજસ્થાન (Rajasthan), મહારાષ્ટ્ર (Maharashtra), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir), પશ્ચિમ બંગાળ (West Bengal) અને દિલ્હી-એનસીઆર (Delhi - NCR)માં આવેલા શંકાસ્પદ પરિસરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
દેશના સાત રાજ્યોમાં એકસાથે કડક કાર્યવાહી
ADVERTISEMENT
સચોટ માહિતીના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની લખનઉ ઝોનલ ઓફિસ દ્વારા બુધવારે વહેલી સવારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજમાર્ગો પર ગેરકાયદેસર રીતે ટોલ વસૂલાતનું નેટવર્ક ચલાવતા શંકાસ્પદ લોકો અને ખાનગી એજન્સીઓના ઓફિસ તથા રહેણાંક પરિસરો પર ઇડીની ટીમોએ દરોડા પાડ્યા હતા.
કોલકાતા (Kolkata), NCR અને ઉત્તર-પશ્ચિમ ભારતના વિવિધ જિલ્લાઓ સહિતના મુખ્ય શહેરોમાં આવેલી જગ્યાઓ પર આ તપાસ ચાલ રહી છે, જ્યાં ખાનગી કોન્ટ્રાક્ટરો NHAI ના ટોલ પ્લાઝાનું સંચાલન કરતા હતા.
કૌભાંડ માટે સોફ્ટવેર સાથે ચેડાં કરી કરોડો રૂપિયાની હેરાફેરી
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૫ અને મે ૨૦૨૫ માં નોંધાયેલી એફઆઈઆર (FIR) ના આધારે EDએ મની લોન્ડરિંગનો આ કેસ હાથ ધર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ટોલ બૂથ પર અનધિકૃત (નકલી) સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી પહોંચ (રસીદ) બનાવી હતી. આ ગેરકાયદેસર સિસ્ટમ દ્વારા વાહનચાલકો પાસેથી રોકડ અને ડિજિટલ ચુકવણીઓ સ્વીકારવામાં આવતી હતી, પરંતુ આ રકમ NHAI ના સરકારી ખાતામાં જમા કરાવવાના બદલે ખાનગી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાતી હતી.
ફોરેન્સિક ઓડિટમાં કૌભાંડની પુષ્ટિ
ડિજિટલ સિસ્ટમ્સ અને NHAI ના ટ્રાન્ઝેક્શન લોગ્સના ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે કે FASTag અને મેન્યુઅલ ટિકિટિંગ સિસ્ટમની સમાંતર એક નકલી સોફ્ટવેર ચલાવવામાં આવતું હતું. ED ના અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ‘ફોરેન્સિક તપાસ અને NHAI ના રેકોર્ડ્સમાં આ સોફ્ટવેરના ઉપયોગની પુષ્ટિ થઈ છે.’ હાલ એજન્સી દ્વારા કૌભાંડ દ્વારા કેટલી રકમની તફડંચી કરવામાં આવી છે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ગુનાહિત કમાણી (Proceeds of Crime) શોધવા EDની તપાસ તેજ
હાલ ચાલી રહેલા દરોડાનો મુખ્ય હેતુ સમાંતર ટિકિટિંગ સિસ્ટમ ચલાવવા માટે વપરાયેલા ડિજિટલ પુરાવા, નાણાકીય લેજર્સ અને હાર્ડ ડ્રાઈવ જપ્ત કરવાનો છે. આ ઉપરાંત, ફોરેન્સિક એકાઉન્ટિંગ ટીમો મુખ્ય લાભાર્થીઓને ઓળખવા અને કૌભાંડની રકમ ક્યાં રોકવામાં આવી છે તે ટ્રેસ કરવા માટે બેંક ખાતાઓ અને પ્રોપર્ટીના દસ્તાવેજો ચકાસી રહી છે. EDના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આ કેસમાં ખાનગી કોન્ટ્રાક્ટર કંપનીઓના મુખ્ય એક્ઝિક્યુટિવ્સ, સાઈટ મેનેજર્સ અને સોફ્ટવેર ડેવલપર્સને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવશે.
