Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > H-1B વીઝાધારકોને ટ્રમ્પ-પ્રશાસનનો વધુ એક ઝટકોઃ H-4 વીઝાધારકોની વર્ક-પરમિટ કૅન્સલ કરવાનો હવે પ્લાન

H-1B વીઝાધારકોને ટ્રમ્પ-પ્રશાસનનો વધુ એક ઝટકોઃ H-4 વીઝાધારકોની વર્ક-પરમિટ કૅન્સલ કરવાનો હવે પ્લાન

Published : 02 September, 2026 07:13 AM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા ભારતીય પરિવારોએ તેમની કારકિર્દી અને જીવન સ્થાપિત કરવા માટે H-4 વર્ક પરમિટ પર આધાર રાખ્યો છે

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં H-1B વીઝા પર નોકરી કરી રહેલા ભારતીયોના પાર્ટનરોને અમેરિકામાં નોકરી કરવા દેવાના અધિકારને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. હાલમાં  H-1B વીઝાધારકોના પાર્ટનર (પુરુષ અથવા મહિલા)ને H-4 વીઝા મળે છે જેના વડે તેઓ એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) મેળવીને અમેરિકામાં કામ કરી શકે છે અને પરિવારને આર્થિક સ્થિરતા આપે છે. હવે આ કાયદામાં ટ્રમ્પ બદલાવ લાવવા માગે છે. જો આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો દાયકા જૂની નીતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. આની સૌથી વધુ અસર ભારતીય નાગરિકો પર પડશે, કારણ કે મોટા ભાગના H-4 વીઝાધારકો ભારતીય છે.

H-4 વીઝા વર્ક-વીઝા નથી. એ મુખ્યત્વે H-1B વીઝાધારકના જીવનસાથી અને બાળકોને તેમની સાથે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. H-4 વીઝા ધરાવતા કેટલાક જીવનસાથીઓ અલગથી એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) માટે અરજી કરી શકે છે. EAD પ્રાપ્ત કર્યા પછી જ તેઓ અમેરિકામાં કાયદેસર કામ કરી શકે છે. આ સુવિધા બધા H-4 ધારકો માટે ઉપલબ્ધ નથી. વર્તમાન નિયમો હેઠળ એ મુખ્યત્વે એવા પાત્ર H-4 જીવનસાથીઓ માટે છે જેમના H-1B જીવનસાથીઓ ગ્રીન કાર્ડ પ્રક્રિયાના ચોક્કસ તબક્કામાં પહોંચી ગયા છે. ૨૦૧૪થી ૨૦૧૭ સુધીના H-4 EAD અરજીના ડેટા દર્શાવે છે કે ૯૩ ટકા મંજૂરીઓ ભારતીય નાગરિકોને મળી હતી અને એમાંથી ૯૪ ટકા મહિલાઓ હતી.



આ દરખાસ્તનો અર્થ એ નથી કે H-4 પર મળતી વર્ક પરમિટ તાત્કાલિક સમાપ્ત થશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)એ ફેડરલ રજિસ્ટરમાં ઔપચારિક સૂચના પ્રકાશિત કરવી પડશે. આ પછી જનતાના વાંધાવિરોધ માટે સમય આપવામાં આવશે અને પછી અંતિમ નિયમ જાહેર કરવામાં આવશે. ટ્રમ્પના આ પહેલાંના કાર્યકાળમાં પણ H-4 વર્ક-પરમિટને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એ યોજના સાકાર થઈ નહોતી. આથી હવે ફરી એ જ દરખાસ્ત સામે આવી હોવાથી ભારતીયોમાં ચિંતા ઊભી થઈ છે.


ભારતીય વીઝાધારકો ચિંતામાં
અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા ભારતીય પરિવારોએ તેમની કારકિર્દી અને જીવન સ્થાપિત કરવા માટે H-4 વર્ક પરમિટ પર આધાર રાખ્યો છે. આ દરખાસ્તના અમલીકરણથી માત્ર તેમની નોકરીઓ પર અસર નહીં પડે, પરંતુ આર્થિક મંદી અને કૌટુંબિક તનાવ પણ થઈ શકે છે. આ ફેરફાર વિશે ભારતીય સમુદાયમાં હાલમાં ચિંતા અને ચર્ચા વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 07:13 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK