શુક્રવારે 20 લાખ લોકોને રસી અપાતાં રચાયો વિક્રમ
વેક્સિન
દેશમાં કોરોના વાઇરસ સામેની લડતમાં શુક્રવારે એક જ દિવસમાં રસીના સૌથી વધુ ૨૦ લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. શુક્રવારે ૧૬,૩૯,૬૬૩ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ, જ્યારે કે ૪,૧૩,૮૭૪ લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ તમામ લાભાર્થીઓ હેલ્થકૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ હતા.
દેશમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોવિડ-19 રસીકરણ ઝુંબેશમાં ભારતે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. શુક્રવારે રસીકરણના ૫૬મા દિવસે કુલ ૩૦,૫૬૧ સેશન્સમાં ૨૦ લાખ કરતાં વધુ (કુલ ૨૦,૫૩,૫૩૭) વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૨.૮૨ કરોડ કરતાં વધુ (કુલ ૨,૮૨,૧૮,૪૫૭) લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં કોરોનાના એક દિવસમાં ૨૪,૮૮૨ નવા કેસ
ADVERTISEMENT
દેશમાં ગઈ કાલે કોવિડ-19ના ચાલુ વર્ષના અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૪,૮૮૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૩,૩૩,૭૨૮ પર પહોંચી હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું. ગઈ કાલનો નવા કેસનો આંકડો છેલ્લા ૮૩ દિવસનો ઉચ્ચતમ આંકડો છે. આ અગાઉ ૨૦ ડિસેમ્બરે ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.એક દિવસમાં ૧૪૦ લોકોનાં મૃત્યુ થતાં મરણાંક ૧,૫૮,૪૪૬ થયો હોવાનું મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.

