કર્ણાટક અને આંધ્ર પ્રદેશ એમ બે રાજ્યોએ ચોક્કસ વયથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ
દક્ષિણ ભારતનાં બે રાજ્યો દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશ એમ બે રાજ્યોએ ચોક્કસ વયથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ગોવા પણ આવાં પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
કર્ણાટક દેશમાં પહેલું
ADVERTISEMENT
બાળકોમાં સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના વિષય પર સૌથી પહેલી જાહેરાત કર્ણાટકે કરી છે. બજેટ રજૂ કરતી વખતે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કર્ણાટક ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકશે. સોશ્યલ મીડિયા પર પ્રતિબંધનો હેતુ બાળકો પર વધતા મોબાઇલના ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાનો છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય, શીખવાની ક્ષમતા અને ડિજિટલ વ્યસનને ધ્યાનમાં રાખીને હવે કડક નિયમો જરૂરી છે. અમે એમ માનીએ છીએ કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને અનિયંત્રિત સ્ક્રીન-સમય બાળકોના વર્તન, ધ્યાન અને સલામતી પર ગંભીર અસર કરી રહ્યાં છે. એને ધ્યાનમાં રાખીને બાળકોના સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.’
આંધ્ર પ્રદેશમાં કયા નિયમો છે?
બીજી તરફ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ગઈ કાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેઓ આંધ્ર પ્રદેશમાં ટૂંક સમયમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અમલમાં મૂકશે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન નારા લોકેશ દ્વારા સૂચવવામાં આવેલા પ્રસ્તાવનો ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે સરકાર રાજ્યમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં અટકાવવા માટે ૩ મહિનાની અંદર એક વિશાળ કાર્યક્રમ શરૂ કરશે.
૧૩થી ૧૬ વયજૂથ
મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એમ પણ કહ્યું હતું કે ‘સરકાર ૧૩થી ૧૬ વયજૂથ માટે સંભવિત નિયમો પર પણ ચર્ચા કરી રહી છે અને વ્યાપક સર્વસંમતિના આધારે નિર્ણય લેશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે બાળકો સોશ્યલ મીડિયાથી નકારાત્મક રીતે પ્રભાવિત ન થાય અને તેમની સુખાકારી અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેશે.’
