પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં મિલિટરી બેઝની આસપાસના ૯ સંવેદનશીલ વિસ્તારોમાં સોલર પાવર કૅમેરા લગાવ્યા હતા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે દેશનાં અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI દ્વારા સંચાલિત આ ટોળકી ખૂબ ખતરનાક હતી. આ ટોળકીઓએ પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના મિલિટરી બેઝની આસપાસ સોલરપાવર્ડ કૅમેરા અને સિમ લગાવીને એનું લાઇવ ટેલિકાસ્ટ પાકિસ્તાનમાં કર્યું હતું. થોડા દિવસ પહેલાં ગાઝિયાબાદમાં પણ આવા જ જાસૂસી નેટવર્કનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસે એક મોટું ઑપરેશન હાથ ધરીને ૧૧ જણને પકડ્યા છે. આ લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. આ ટોળકી મૉડ્યુલ જાસૂસી, હથિયારોની હેરફેર, મહત્ત્વપૂર્ણ સુરક્ષા બેઝ પર નજર રાખીને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંડીને રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર ખતરો પેદા કરી રહી હતી. ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (સ્પેશ્યલ સેલ) પ્રમોદ કુશવાહએ કહ્યું હતું કે ‘પંજાબમાં કપૂરથલા, જાલંધર, પઠાણકોટ, પટિયાલા અને મોગામાં; હરિયાણામાં અંબાલા અને જમ્મુ-કાશ્મીરના કઠુઆ તેમ જ રાજસ્થાનમાં અલવર-બીકાનેરમાં પણ આ ટોળકીએ ખુફિયા કૅમેરા લગાવ્યા હતા. સૈન્યની અવરજવર અને આંતરરાષ્ટ્રીય સીમા પરની હલચલની સીધી માહિતી લીક થઈ રહી હતી. જાસૂસોએ નકલી ઓળખપત્રો પર ખરીદેલાં સિમ કાર્ડ આ કૅમેરામાં લગાવ્યાં હતાં જે પાકિસ્તાનમાં બેઠેલા હૅન્ડલર્સ મોબાઇલ ઍપના માધ્યમથી રિયલ-ટાઇમ ફુટેજ જોઈ શકતા હતા.’
