રાજ્યભરમાં ૧૩,૦૦૦ નવાં ઘર બનશે, મુંબઈમાં ૨૫૩૮ ઘર બનશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટે ૧૭,૪૩૦.૭૩ કરોડ રૂપિયાનું જંગી બજેટ મંજૂર કરીને મહારાષ્ટ્રના સામાન્ય નાગરિકો માટે ઘરનું સપનું સાકાર કરશે. આ બજેટ અંતર્ગત મ્હાડાએ સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૩,૦૧૨ નવા આવાસોનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં એકલા મુંબઈમાં જ ૨૫૩૮ ઘરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી વર્ષમાં MHADA મુંબઈ, પુણે, કોકણ, નાશિક, અમરાવતી, છત્રપતિ સંભાજીનગર અને નાગપુરમાં ઘર બનાવશે. મુંબઈ બોર્ડ માટે ૬૭૪૭.૪૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેનાથી વિવિધ આવક જૂથો માટે ૨૫૩૮ ઘર તૈયાર થશે.
મુંબઈ સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતાં કાર્યો માટે ૨૭૧૧.૯૫ કરોડ રૂપિયાની મોટી રકમ ફાળવવામાં આવી છે. સાથોસાથ મુંબઈની જૂની અને જોખમી ઇમારતોના રક્ષણ માટે મુંબઈ બિલ્ડિંગ રિપેર્સ ઍન્ડ રીકન્સ્ટ્રક્શન બોર્ડને ૬૬૧.૭૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ભંડોળનો ઉપયોગ સેસ્ડ બિલ્ડિંગો, ટ્રાન્ઝિટ કૅમ્પ અને રીડેવલપમેન્ટ ઇમારતોની જાળવણી અને સમારકામ માટે કરવામાં આવશે.
