દિલ્હીની સ્કૂલની ઘટના, કાર્ડિએક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હોવાની શક્યતા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દિલ્હીના મયૂર વિહાર ફેઝ-૨ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી ૯ વર્ષની બાળકીનું ક્લાસરૂમમાં અચાનક મોત નીપજ્યું હતું. આ બનાવ ત્યારે બન્યો જ્યારે બાળકી ક્લાસરૂમમાં અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. ઘટના બાદ સ્કૂલના સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડી હતી. ત્યાંથી વધુ સારવાર માટે તેને નિર્માણ વિહાર વિસ્તારની મલિક હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ડૉક્ટરોના પ્રાથમિક અનુમાન મુજબ બાળકીનું મોત કાર્ડિઅૅક અરેસ્ટ આવવાથી થયું હોવાની શક્યતા છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. સ્કૂલના સ્ટાફના જણાવ્યા અનુસાર બાળકી ગેમ્સ પિરિયડ પૂરો કરીને પાછી આવી ત્યારે ખૂબ જ થાકેલી લાગી રહી હતી. ફર્શ પર પડવાને કારણે તેની હડપચીના ભાગેથી લોહી પણ વહી રહ્યું હતું અને તે સંપૂર્ણપણે બેહોશ હતી.
આ ગંભીર ઘટના બાદ બાળકીના પરિવારે સ્કૂલ પ્રશાસન પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. પરિવારે આક્ષેપ કર્યો હતો કે આટલી મોટી ફી વસૂલવા છતાં સ્કૂલમાં ઇમર્જન્સી મેડિકલ સુવિધા કેમ નહોતી? બાળકી પડ્યા પછી તેને તરત જ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) કેમ આપવામાં ન આવ્યું? આ સવાલોના જવાબમાં પ્રિન્સિપાલે બચાવ કરતાં કહ્યું હતું કે બાળકી પડી ત્યારે ચહેરા પર વાગવાથી લોહી નીકળતું હોવાથી સ્ટાફને શરૂઆતમાં તેને સામાન્ય ઈજા લાગી હતી.
