ચારધામના યાત્રીઓને ‘જ્યાં છો ત્યાં જ રહો’નું રાજ્ય સરકારનું આહ્વાન
સોનપ્રયાગથી ગૌરીકુંડના રૂટ પર ધોવાઈ ગયેલો રસ્તો.
કેદારનાથમાં બુધવારે મધરાત બાદ આભ ફાટ્યા પછી ભીમબલી પાસે ભૂસ્ખલન થતાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જોકે તેમને સમયસર રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગૌરીકુંડથી કેદારનાથના રૂટ પર ભીમ બલી પાસે ૨૦૦ જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા હોવાથી તેમને સ્થાનિક પ્રશાસન અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ના જવાનોએ સલામત સ્થળે શિફ્ટ કર્યા હતા. ભૂસ્ખલનને લીધે રસ્તા પર કાદવ અને મોટા-મોટા પથ્થર આવી ગયા હતા અને ૩૦ મીટર જેટલો રસ્તો તૂટી ગયો હતો. આ ઘટના બાદ ગઈ કાલે કેદારનાથની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. મંદાકિની નદીનું સ્તર પણ વધી જવાને લીધે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં નદીની આસપાસ લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને લોકોને પોતાની રૂમમાં જ રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ગૌરીકુંડમાં ગૌરીમાઈનું મંદિર પણ પાણીનું સ્તર વધી જવાને લીધે ખાલી કરાવવામાં આવ્યું હતું એટલું જ નહીં, સોનપ્રયાગથી ગૌરીકુંડ જવાનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો હતો. અત્યારે કેદારનાથમાં જે યાત્રાળુઓ છે એમાં ગુજરાતના તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં છે. જ્યાં સુધી મોસમ સામાન્ય નથી થતી ત્યાં સુધી યાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. ગઈ કાલે સવારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સોનપ્રયાગ પહોંચી ગયા હતા અને યાત્રીઓને મળ્યા હતા. એ સિવાય ઉત્તરાખંડમાં રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવી હતી. ગઈ કાલે દેહરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર સહિતનાં સ્થળોએ પણ સારોએવો વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ૧૦ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
હિમાચલમાં ત્રણ જગ્યાએ આભ ફાટતાં બેનાં મૃત્યુ, ૫૩ લાપતા
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશના શિમલા, કુલુ અને મંડી જિલ્લામાં ગઈ કાલે સવારે ૬ જગ્યાએ આભ ફાટવાને લીધે જબરદસ્ત નુકસાનની સાથે બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૩ લોકો ગુમ થયા છે. કુલુમાં મણિકર્ણ-ભૂંટર રોડ પર શાકભાજી માર્કેટનું આખેઆખું બિલ્ડિંગ તૂટી પડીને પાણીમાં વહી ગયું હતું. ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા હોવાથી મનાલી સંપર્કવિહોણું થઈ ગયું હતું. શિમલામાં આવેલા સમેજ ગામમાં વાદળ ફાટવાને લીધે આખા ગામમાં તબાહી મચી ગઈ હતી.
ગામનાં ૨૭ ઘરમાંનાં ઘણાં પાણીમાં વહી ગયાં હતાં તો બીજાં અમુક કાદવની નીચે દટાઈ ગયાં છે. આ ગામના ૩૭ લોકો ગુમ છે, જ્યારે મંડીમાં ૭ લોકો ગુમ છે. હિમાચલના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ ગઈ કાલે ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી જેમાં તમામ એજન્સીઓને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાનું કહ્યું છે.