મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) નજીક આવેલા હરિઓમનગરને પાણી સપ્લાય કરતી મેઇન લાઇન રવિવારે સાંજે ફાટી ગઈ હતી
હરિઓમનગરમાં પાણીની લાઇનનું કામ કરી રહેલા BMCના અધિકારીઓ.
મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) નજીક આવેલા હરિઓમનગરને પાણી સપ્લાય કરતી મેઇન લાઇન રવિવારે સાંજે ફાટી ગઈ હતી. એને કારણે આ વિસ્તારમાં આવેલી ૨૬ સોસાયટીમાં રહેતા ૧૦,૦૦૦થી વધારે લોકોએ રવિવાર રાતથી પાણી વગર રહેવાનો વારો આવ્યો હતો. પાણીની લાઇન ફાટતાં ગઈ કાલે સ્થાનિક સોસાયટીઓએ ડબલ ભાવે પાણીનાં ટૅન્કર ખરીદ્યાં હતાં. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉટર ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈ કાલે વહેલી સવારથી પાણીની લાઇનના સમારકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ લાઇન નાળાની નીચેથી પસાર થતી હોવાથી આ કામને વધુ એક દિવસ લાગે એવી શક્યતા છે.
અમુક સોસાયટીઓ ટૅન્કર માટે ડબલ પૈસા આપવા તૈયાર થઈ હોવા છતાં તેમને પાણીનું ટૅન્કર મળ્યું નહોતું એમ જણાવતાં હરિઓમનગર ઍપેક્સ બૉડી ફેડરેશનના મેમ્બર મધુસૂદન ગુટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા હરિઓમનગરમાં ૨૬ સોસાયટી આવેલી છે. આ ઉપરાંત આસપાસમાં અમુક બંગલા પણ છે જેમાં રવિવાર રાતથી પીવા માટે પણ પાણી નથી. પરિસ્થિતિ એવી ખરાબ છે કે ગઈ કાલે વહેલી સવારે અમુક સોસાયટીઓએ ટૅન્કરો મગાવ્યાં હતાં. જોકે એ થોડી જ વારમાં ખાલી થઈ જતાં વધુ ટૅન્કરોની ડિમાન્ડ ઊઠી હતી જેનો ફાયદો લઈને ટૅન્કર સપ્લાય કરતા યુવાને ટૅન્કરના પૈસા ઑલમોસ્ટ ડબલ કરી દીધા હતા. એમ છતાં અમે પાણીનાં ટૅન્કરો મગાવ્યાં હતાં. સાંજે તો પરિસ્થિતિ એવી હતી કે પૈસા આપવા છતાં ટૅન્કરો મળ્યાં નહોતાં. પીવા માટે અમે પાણીની મોટી બૉટલો મગાવી હતી. એ પણ એક સમય પછી મળી શકી નહોતી. એ જોઈને અમારી સોસાયટીના અમુક મેમ્બરો નજીકમાં રહેતા તેમના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા. આ વિશે અમે BMCના અધિકારીઓને પૂછપરછ કરી ત્યારે તેમની પાસેથી પણ અમને યોગ્ય જવાબ મળ્યો નહોતો. એનાથી કાળઝાળ ગરમી વચ્ચે ૧૦,૦૦૦થી વધારે રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે.’
ADVERTISEMENT
નાળાની નીચે પાણીની મેઇન લાઇન ફાટી ગઈ છે જેનું વધારે મેનપાવર વાપરીને કામ કરવામાં આવી રહ્યું છે એમ જણાવતાં મુલુંડના વૉટર ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યં હતું કે ‘EEH વિસ્તારમાંથી પસાર થતી પાણીની મેઇન લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે નાળાની નીચેથી પાણીની મેઇન લાઇન પસાર થતી હોવાથી કઈ જગ્યાએ પાણીની લાઇન ફાટી ગઈ છે એ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં પણ અમે મેઇન ફૉલ્ટ સુધી નથી પહોંચી શક્યા. આ કામને વધુ એક દિવસ લાગી શકે છે.’


