વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ટૅન્કરથી પાણીની સપ્લાય કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક સમયથી પાણીના સંકટનો સામનો કરી રહેલા વસઈ-વિરારના રહેવાસીઓએ હજી બે દિવસ સુધી પાણી વિના ચલાવવું પડશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા વસઈ-વિરારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકાના કવડાસ ગામ પાસેના પાણીને ફિલ્ટર કરવાના સેન્ટરમાં વીજળી પૂરી પાડતા ટ્રાન્સફૉર્મરમાં ૨૫ માર્ચે ટેક્નિકલ ખામી આવવાને લીધે વીજળી નથી એટલે દરરોજ કરવામાં આવતી ૧૪૦ મિલ્યન લીટર પાણીની સપ્લાય બંધ થઈ ગઈ છે. ટ્રાન્સફૉર્મરને રિપેર કરવામાં વધુ બે દિવસ લાગશે એટલે વસઈ-વિરારના રહેવાસીઓએ વધુ બે દિવસ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. પાણીની સપ્લાય બંધ છે એટલે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ટૅન્કરથી પાણીની સપ્લાય કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જોકે બધા વિસ્તારમાં ટૅન્કરનું પાણી નથી પહોંચી રહ્યું એટલે મોટા ભાગના રહેવાસીઓ પાણી વિના ટળવળી રહ્યા છે.

