આખા દેશમાંથી માત્ર ૩૮ રનર ફુલ મૅરથૉન દોડવાના છે. મુંબઈથી જે ૮ જણનું ગ્રુપ ગયું છે એમાં ૬ ગુજરાતીઓ છે
(ડાબેથી) દીપા કાત્રોડિયા, પૂર્વી આશર, ડૉ. નીલ આશર, ઉન્મેશ નાયક, પ્રદીપ કાત્રોડિયા, ધનરાજ સંસારે અને કલ્પેશ દોશી.
સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ફુલ મૅરથૉન દોડવી એ પણ એક ચૅલેન્જ છે કારણ કે એ તમારી શારીરિક અને માનસિક કૅપેસિટીને માપી લેતી હોય છે. એવામાં લદ્દાખના થીજી ગયેલા પૅન્ગૉન્ગ લેક પર ૪૧.૧૯૫ કિલોમીટરની ફુલ મૅરથૉન દોડવી એ કાચા-પોચાનું કામ તો નથી જ. એમ છતાં મુંબઈના ૮ જણનું ગ્રુપ આજે યોજાનારી આ મૅરથૉનમાં ભાગ લેવા લદ્દાખ પહોંચી ગયું છે. ૪૦થી ૫૦ વર્ષના એજ-ગ્રુપના આ દોડવીરોમાં ૬ ગુજરાતીઓ છે. તેમને આશા છે કે તેઓ આ મૅરથૉન પૂરી કરીને જ રહેશે.
ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઑફ લદ્દાખ દ્વારા ગયા વર્ષે હાફ મૅરથૉનનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ આ વર્ષે સેવ વૉટર, સેવ ગ્લૅસિયરની થીમ સાથે ફુલ મૅરથૉનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ફુલ મૅરથૉન દોડવાની તૈયારી કરી રહેલા મુંબઈના ગ્રુપના સભ્ય અને ડેન્ટિસ્ટ ડૉ. નીલ આશરે આ બાબતે લદ્દાખથી માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ૮ જણનું ગ્રુપ છે જેમાં ૬ ગુજરાતી છે. હું ફુલ અને મારી વાઇફ હાફ-મૅરથૉન દોડવાનાં છીએ. અમારા કોચ અને તેમનાં વાઇફ બન્ને ફુુલ મૅરથૉન દોડવાનાં છે. તેઓ પણ ગુજરાતી જ છે. ૧૪,૫૭૦ ફુટની હાઇટ પર દોડવાનું છે. ઇટ્સ અ ચૅલેન્જ. ગયા વર્ષે આટલી ઊંચાઈ પર હાફ મૅરથૉન યોજવા બદલ આયોજકોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. હવે તેઓ ફુલ મૅરથૉન યોજી રહ્યા છે. આ આખી ઇવેન્ટમાં કુલ ૩૦૦ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. એમાંથી ફુલ મૅરથૉન દોડવાવાળા ફક્ત ૩૮ સ્પર્ધકો છે. એમાં પણ અમારા જેવા બહારથી આવેલા સિવિલિયન તો ૨૦ જેટલા જ છે. બાકી મિલિટરીના જવાનો અને અહીં રહેતા કેટલાક લોકલ છે.’
ADVERTISEMENT
આ મૅરથૉન માટે કરવી પડતી તૈયારીઓ વિશે ડૉ. નીલ આશરે કહ્યું હતું કે ‘અમે મુંબઈમાં તો પ્રૅક્ટિસ કરી જ છે, પણ અહીં દોડવું અઘરું છે. અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો એટલે એક અઠવાડિયા પહેલાં જ અમે અહીં આવી ગયા છીએ અને રોજ દોઢથી બે કલાક દોડવાની પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ. મુખ્યત્વે તો આ મેન્ટલ ગેમ છે, બીજું કંઈ નહીં. અમારી પાસે તેમણે ફૉર્મ ભરાવીને બધી વિગતો લીધી હતી. અમે આ પહેલાં કેટલી મૅરથૉન દોડી ચૂક્યા છીએ જેવા પ્રશ્નો પૂછ્યા પછી અમારી મેડિકલ ટેસ્ટ પણ કરી અને તેઓ એનાથી સંતુષ્ટ છે. અમે દોડવા માટે એક્સાઇટેડ છીએ.’
જબરદસ્ત તૈયારી

મુંબઈગરાઓના આ ગ્રુપને લીડ કરી રહેલા તેમના કોચ પ્રદીપ કાત્રોડિયાએ કઈ રીતની તૈયારી કરવામાં આવી છે એ વિશે જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે બહુ જ હાઈ ઍલ્ટિટ્યુડ પર દોડ લગાવવાની છે. એથી અમે મુંબઈમાં એ માટે અલગ પ્રકારની પ્રૅક્ટિસ કરી છે. અમે હાઇરાઇઝ બિલ્ડિંગ ચડવાની, કાન્હેરી કેવ્સ અને નૅશનલ પાર્કમાં ગાંધી ટોપીની હિલ ચડવાની અને સાથે જ ઘણા ફ્લાયઓવર્સ ચડવાની, કોઈ વાર માસ્ક પહેરીને દોડીને ચડવાની પ્રૅક્ટિસ કરી છે. અમારું લક્ષ્ય આ રેસ જીતવાનું નથી, આ રેસમાં ભાગ લઈને એ પૂરી કરવી એ જ ચૅલેન્જિંગ છે. અમે જે પ્રકારે તૈયારી કરી છે એનો અમને ફાયદો થઈ રહ્યો છે. અમે મોટા ભાગના બોરીવલીમાં જ રહેવાવાળા છીએ. અમારા ૮ જણના ગ્રુપમાં હું, મારી પત્ની દીપા કાત્રોડિયા, ડૉ. નીલ આશર અને તેમની પત્ની પૂર્વી, ધનરાજ સનસરે, કલ્પેશ દોશી, ઉન્મેશ નાયક અને સુમન રાઠીમાંથી માત્ર ઉર્વી જ હાફ મૅરથૉન દોડવાની છે. બાકી અમે ૭ જણ ફુલ મૅરથૉન દોડવાના છીએ.’


