આગાહી મુજબ ગ્રીન અલર્ટ, પણ ભેજથી છુટકારો મળશે નહીં
પ્રતીકાત્મક તસવીર
સતત બીજા દિવસે મુંબઈનું દિવસનું તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતાં મુંબઈમાં મે મહિનાની આકરી ગરમીનો અસ્સલ અનુભવ લોકોને થયો છે. મુંબઈનું રામ મંદિર ૩૯.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. થાણેમાં ૩૮ની આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મુંબઈમાં ગરમીની ગ્રીન અલર્ટ છે. એમ છતાં મહત્તમ સાથે લઘુતમ તાપમાનમાં પણ સતત વધારો નોંધાતાં મુંબઈગરાઓને રાતે પણ ગરમીથી છુટકારો મળી રહ્યો નથી.
ગયા સપ્તાહમાં મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ વધતાં લોકોની બફારો અને અકળાવનારો પરસેવો થવાની ફરિયાદ છે. ગઈ કાલે પણ મુંબઈમાં ભેજનું પ્રમાણ સરેરાશ ૭૫ ટકા રહ્યું હતું. વર્તમાન હવામાનની પરિસ્થિતિ માટે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને કેરલમના કિનારે લક્ષદ્વીપને અડીને આવેલા અપર ઍર સાઇક્લોનને કારણે કોસ્ટલ કર્ણાટક, કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં મરાઠવાડા સુધી અસર જણાશે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશ આગામી બે દિવસ માટે ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈના વિસ્તારોનું તાપમાન
રામ મંદિર : ૩૯.૨
બાંદરા : ૩૬
વિદ્યાવિહાર : ૩૫.૬
સાંતાક્રુઝ : ૩૫.૪
દહિસર : ૩૫.૩
કોલબા : ૩૪.૬
તાપમાન વધવા માટે આ કારણ પણ જવાબદાર
નિષ્ણાતોના મત મુજબ મુંબઈમાં હીટવેવમાં વધારો થવા પાછળનું કારણ ખુલ્લી જગ્યાઓ, ગ્રીન કવર, જળાશયો અને બિલ્ટ-અપ એરિયામાં મોટા પાયે થયેલા નુકસાનને આભારી હોઈ શકે છે. મુંબઈએ ૨૭ વર્ષ (૧૯૯૧થી ૨૦૧૮)માં ૮૧ ટકા ખુલ્લી જમીન, ૪૦ ટકા ગ્રીન કવર અને ૩૦ ટકા જળાશયો ગુમાવ્યાં છે; જ્યારે બિલ્ટ-અપ એરિયામાં ૬૬ ટકાનો વધારો થયો છે જેને પગલે સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ જોવા મળ્યો છે.
સાંતાક્રુઝ વેધશાળા દ્વારા મે મહિનામાં નોંધાયેલું અત્યાર સુધીનું દિવસનું સૌથી વધુ તાપમાન ૧૯૭૯ની ૧૨ મેએ ૪૧ ડિગ્રી હતું અને કોલાબા વેધશાળા દ્વારા ૧૯૭૨ની ૨૪ મેએ ૩૯.૭ ડિગ્રી હતું.
