Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પપ્પા, આઇ લવ યુ: સમય રૈનાની ચૅલેન્જ બાપ-દીકરાના સંબંધો વચ્ચેની દીવાલને તોડી રહી છે

પપ્પા, આઇ લવ યુ: સમય રૈનાની ચૅલેન્જ બાપ-દીકરાના સંબંધો વચ્ચેની દીવાલને તોડી રહી છે

Published : 11 May, 2026 12:56 PM | Modified : 11 May, 2026 02:20 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ભારતીય ઘરોમાં પિતાનો પ્રેમ શિસ્ત અને જવાબદારીના મુખવટા પાછળ છુપાયેલો હોય છે, પણ હવેના યુવાનો પિતા સાથે ખુલ્લેઆમ લાગણી વ્યક્ત કરવા અનુભવાતી ઑક્વર્ડનેસને નેવે મૂકીને મિત્રતાનો નવો સેતુ બાંધી રહ્યા છે જે સમાજમાં મોટું પરિવર્તન લાવી રહ્યો છે

સમય રૈના

સમય રૈના


સોશ્યલ મીડિયાના યુગમાં દરરોજ કંઈ ને કંઈ વાઇરલ થતું રહેતું હોય છે, પણ ક્યારેક કોઈ વાત એવી હોય છે જે સીધી હૃદયના તારને છેડે છે. સ્ટૅન્ડઅપ કૉમેડિયન સમય રૈનાએ તેના શો સ્ટિલ અલાઇવમાં કહ્યું હતું કે ‘તમારા પિતા પણ તમને એટલો જ પ્રેમ કરે છે જેટલો તમારી માતા કરે છે, પરંતુ ઘણા પિતાઓ માટે પોતાની આ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી હોય છે. તમે ભણેલાં-ગણેલાં અને નવી પેઢીનાં સંતાનો છો એટલે હવે જવાબદારી તમારી છે. જાઓ અને લાગણીઓ વ્યક્ત ન કરવાની એ વર્ષો જૂની દીવાલને તોડો.’ 

એ વખતે ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ એક નાનકડી ક્લિપ દેશભરના હજારો યુવાનોને તેમના પિતાની નજીક લાવી દેશે. આ વાતને પકડીને ઇન્ટરનેટ પર અત્યારે એક અનોખી ચૅલેન્જ શરૂ થઈ છે. યુવાનો પોતાના પિતાને ફોન કરીને કે સામે બેસીને કહી રહ્યા છે, ‘પપ્પા, આઇ લવ યુ.’ વળતા જવાબમાં પિતાનો જે ભીનો અવાજ કે મૌન સંભળાય છે એ સાબિત કરે છે કે પ્રેમ તો હંમેશાં ત્યાં જ હતો; બસ, એને વ્યક્ત કરવા માટે કોઈએ પહેલ કરવાની જરૂર હતી.



એવા પણ ઘણા યુવાનો છે જેઓ આ મામલે પહેલેથી જ નસીબદાર રહ્યા છે. તેમના માટે તેમના પિતા માત્ર ઘરના વડીલ કે બિલ ભરનારી વ્યક્તિ નથી પણ એક એવા ખાસ દોસ્ત છે જેની સાથે તેઓ પોતાની નિષ્ફળતા, સપનાંઓ અને કરીઅરની મૂંઝવણો શૅર કરી શકે છે. આજે આપણે એવા જ યુવાનો અને તેમના પિતાની વાત કરીશું જેમના કિસ્સા વાંચીને કદાચ તમે પણ આજે રાત્રે તમારા પપ્પા સાથે વાત કરવા મજબૂર થઈ જશો.


જે જગ્યા પપ્પા સાથે એક્સપ્લોર ન કરી શક્યો એ બધી જ ફરીશ, પણ તેમને યાદ કરીને : ભાવિન નાગડા


મધ્ય પ્રદેશના જબલપુર રેલવે-સ્ટેશનની ડિઝાઇન બનાવી ચૂકેલા મુંબઈના જાણીતા આર્કિટેક્ટ ભાવિન નાગડા માટે તેમના પિતા વિજય નાગડા માત્ર પિતા જ નહીં, માર્ગદર્શક અને મિત્ર પણ હતા. ભાવિન કહે છે, ‘સામાન્ય રીતે ભારતીય ઘરોમાં સંતાનોને તૈયાર કરવાની, તેમને નવડાવવાની કે જમાડવાની જવાબદારી માતાની હોય છે; પણ મારા કિસ્સામાં ચિત્ર એકદમ અલગ અને પ્રેરણાદાયી હતું. મારી મમ્મી વીણા નાગડા જાણીતાં મેંદી-આર્ટિસ્ટ હોવાથી અવારનવાર મોટા ઑર્ડર્સ માટે બહાર રહેતાં ત્યારે મારા પિતાએ જ મમ્મીની ભૂમિકા ભજવી હતી. મને અને મારા ભાઈને સ્કૂલમાં મૂકવા આવવું, ટ્યુશન ક્લાસિસ લઈ જવા અને ખાસ કરીને જ્યારે હું મૅરથૉનમાં ભાગ લેતો ત્યારે સવારે વહેલા ઊઠીને પ્રૅક્ટિસ માટે મારી સાથે આવવું આ બધું જ પપ્પાએ હોંશે-હોંશે કર્યું હતું. તેમણે ક્યારેય પિતા તરીકે શિસ્તના રૂલ્સ લાદ્યા નહોતા, પણ એક મિત્ર બનીને હંમેશાં મારી ક્ષમતા પર ભરોસો મૂક્યો હતો.’

એક અગ્રણી ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા વિજય નાગડાને બાઇક-રાઇડિંગનો બહુ શોખ હતો, પણ મધ્યમવર્ગીય પરિવારની જવાબદારીઓ અને અમને મોટા કરવાના ચક્કરમાં તેમણે ક્યારેય પોતાના શોખને પ્રાથમિકતા આપી નહોતી. ભાવિન નાગડા કહે છે, ‘૨૦૧૧માં તેમણે રાઇડ કરવાનું વિચાર્યું હતું, પણ ત્યારે સંજોગો અનુકૂળ નહોતા. છેવટે ૨૦૨૧ની ૧૨ સપ્ટેમ્બરે અમે મુંબઈથી લદ્દાખની ઐતિહાસિક સફર શરૂ કરી. પપ્પાએ આખી જિંદગી અમને મોટા કરવામાં કાઢી નાખી હતી. તેઓ ક્યાંય ખાસ ફરવા નહોતા ગયા એટલે મારે તેમને આખું ભારત બતાવવું હતું. મિત્રો સાથે તો ગમે ત્યારે જવાય, પણ પિતા સાથેની એ પળો અમૂલ્ય હતી. અમે મુંબઈથી નીકળીને લદ્દાખ, નુબ્રા વૅલી, પૅન્ગૉન્ગ લેક અને છેક હાન્લે સુધી ગયા. વળતી મુસાફરીમાં પપ્પા જે-જે શહેરોમાં અગાઉ નોકરી કરી ચૂક્યા હતા એ પાનીપત, ઇન્દોર, દિલ્હી બધું જ અમે ફરીથી જોયું. અમે ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી અને કારગિલ પણ ગયા. ૬૨ વર્ષની ઉંમરે પણ પપ્પામાં જે ઉત્સાહ હતો એ જોઈને મને થતું કે સાચે જ ઉંમર તો માત્ર એક આંકડો છે. પૅન્ગૉન્ગ લેકનું બ્લુ પાણી જોઈને તે નાના બાળકની જેમ રોમાંચિત થઈ ગયા હતા. ત્યાંની કડકડતી ઠંડીમાં એક સ્થાનિકે બારીનાં લાકડાં સળગાવીને અમારા માટે બોનફાયર કર્યું એ પળ આજે પણ મારી આંખો સામે જીવંત છે. આ સફર એટલી અદ્ભુત હતી કે એને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મળ્યું છે. જોકે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આ રાઇડ પૂરી કરીને આવ્યા એના માત્ર બે જ મહિનામાં પપ્પાનું અવસાન થયું. ૨૦૨૨માં જ્યારે હું ૩૪ વર્ષનો હતો ત્યારે તેમણે વિદાય લીધી. આજે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે એ ૭૦૦૦ કિલોમીટરની મુસાફરી કદાચ કુદરતે અમને સાથે ગાળવા માટે આપેલી છેલ્લી અને સૌથી સુંદર ભેટ હતી. ગયા વર્ષે હું મનાલી ગયો ત્યારે જાણીજોઈને એ જ હોટેલમાં રોકાયો હતો જ્યાં હું અને પપ્પા રોકાયા હતા. પપ્પાની ગેરહાજરી એટલી સાલતી હતી કે મને લાગ્યું કે હું તેમના વગર મુસાફરી નહીં કરી શકું. પપ્પા શારીરિક રીતે ભલે મારી સાથે નથી, પણ જ્યારે હું બાઇક ચલાવું છું ત્યારે એન્જિનનો અવાજ મને હંમેશાં કહેતો રહે છે કે બેટા, ચાલતો રહે, હું તારી પાછળ જ બેઠો છું.’

કોરોનાકાળમાં પપ્પાની વૅલ્યુ સમજાઈ ત્યારે પહેલી વાર હગ કરીને બન્ને ગળગળા થયા : નીતિન ભદ્રા

ઘોડબંદરમાં રહેતા અને ભિવંડીમાં પૂજા સામગ્રીના પૅકેજિંગનો બિઝનેસ ધરાવતા રૉકી ઉર્ફે નીતિન ભદ્રાના તેમના પપ્પા સાથેના સંબંધોમાં મતભેદ રહ્યા હતા, પણ એ મિત્રતામાં કઈ રીતે પરિવર્તિત થયા એ વિશે તે કહે છે, ‘જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જે તમને આખેઆખા બદલી નાખે છે. મારા માટે એ સમય કોવિડનો હતો. એ દિવસો બહુ કપરા હતા. હૉસ્પિટલો ફુલ હતી. મારા પપ્પા આયુર્વેદના જાણકાર છે, પણ એ વખતે મને તેમના પર એટલો ભરોસો નહોતો તેથી હીરાનંદાની અને સેવન હિલ્સ જેવી હૉસ્પિટલોમાં બેડ શોધી રહ્યો હતો. એ વખતે અમે સાકીનાકામાં રહેતા હતા. વન BHK હોવાથી હું રૂમમાં ક્વૉરન્ટાઇન થયો. પિતા-પુત્ર વચ્ચે જે એક અંતર હોય એ અમારામાં પણ હતું, પણ એ વખતે પપ્પાએ મારો આખો દિવસ પ્લાન કરી દીધો. ક્યારે ઊઠવું, શું ખાવું, ક્યારે વર્કઆઉટ કરવું બધું જ ફિક્સ. પાંચમો દિવસ હતો અને સ્થિતિ ગંભીર થવા લાગી. આઠમા દિવસે તો મને છાતીમાં અસહ્ય દુખાવો ઊપડ્યો. મને લાગ્યું કે હવે નહીં બચું. મેં પપ્પાને ફોન કર્યો. પપ્પાએ ગિલોયનો કાઢો બનાવીને આપ્યો અને સતત મારી સાથે વાતો કરતા રહ્યા. મારું ટેમ્પરેચર ૧૦૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. પપ્પાએ મને ગિટાર વગાડવા કહ્યું જે મને સૌથી વધુ પસંદ હતું. એ રાત્રે પપ્પાએ એવું બધું જ કર્યું જેનાથી મારું મન શાંત થાય. ધીરે-ધીરે બધું નૉર્મલ થવા લાગ્યું. ૧૪ દિવસના એ એકાંતમાં મને સમજાયું કે જે પિતાને હું અત્યાર સુધી માત્ર કડક માનતો હતો તેમના સપોર્ટ વગર તો હું એક ડગલું પણ આગળ વધી શકું એમ નથી. ૧૪ દિવસ પછી જ્યારે હું પૂરો રિકવર થયો ત્યારે મેં પહેલી વાર પપ્પાને ગળે લગાવ્યા. એ વળગતાંની સાથે જ અમારી વચ્ચેના વર્ષોના મતભેદ આંસુ બનીને વહી ગયા. અમે બન્ને બહુ રડ્યા, પણ એ રડવામાં એક પ્રકારની શાંતિ હતી.’

પ્રવીણ ભદ્રા આયુર્વેદ એક્સપર્ટ છે. તેમની દવાની દુકાન પણ હતી. મારા પપ્પાનો સ્વભાવ સેવાનો રહ્યો છે અને કોવિડ વખતે તેમણે નિઃશુલ્ક સેંકડો લોકોને સાજા કર્યા છે એમ જણાવીને નીતિન ભદ્રા કહે છે, ‘પપ્પાની ડ્યુટી બહુ હાર્ડ રહેતી. કદાચ એટલે જ તે ક્યારેક અમને જોઈને ડરતા કે શિસ્તમાં રાખતા. આજે ૩૫ વર્ષની ઉંમરે હું પંચાવન વર્ષના પપ્પાનો દીકરો ઓછો અને દોસ્ત વધારે છું. હવે તો અમે સાથે ટ્રેકિંગ પર જઈએ છીએ અને મારી ઓપન જીપમાં લૉન્ગ ડ્રાઇવ પર નીકળીએ છીએ. હું પપ્પા પાસેથી ઘણું શીખ્યો છું. મારા બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ તેમનો સૌથી મોટો ફાળો રહ્યો છે. મારે બે દીકરીઓ છે મિશ્વા અને દેવી. પપ્પા કદાચ કામની વ્યસ્તતામાં મને જે સમય નહોતા આપી શક્યા એ બધો જ સમય હું મારી દીકરીઓને આપવા માગું છું. પણ હા, આજે હું ગર્વથી કહી શકું છું કે સમય રૈના જે દીવાલ તોડવાની વાત કરે છે એ દીવાલ મેં અને પપ્પાએ એ ૧૪ દિવસના આઇસોલેશનમાં હંમેશ માટે તોડી નાખી હતી. પપ્પા હવે માત્ર મારા વડીલ નથી, મારા બેસ્ટ ફ્રેન્ડ છે.’

ટિપિકલ પપ્પાને બદલે મારા બૅકબોન છે મારા પપ્પા : દર્શ શાહ

આપણા સમાજમાં પિતાની છબિ હંમેશાં કઠોર નારિયેળ જેવી રહી છે, જે બહારથી સખત હોય અને અંદરથી નરમ. મેં પણ આસપાસ એવા પિતા જોયા છે જેમના ડરથી ઘરમાં સન્નાટો છવાઈ જતો હોય, જેમના માટે માત્ર માર્કશીટ જ બાળકની ઓળખ હોય. જોકે આ મામલે ૧૬ વર્ષનો દર્શ શાહ નસીબદાર છે. તેના પપ્પા અમિતભાઈ CA છે. છેલ્લાં ૩ વર્ષથી પિતા-પુત્રની આ જોડી મોટા-મોટા ટ્રેકિંગ કરી રહી છે. આ વિશે દર્શ કહે છે, ‘હું પોતાને બહુ નસીબદાર માનું છું. પપ્પાના સ્વભાવમાં ચોકસાઈ અને થોડાં રિસ્ટ્રિક્શન તો હોય જ, પણ એ બંધનોમાં ક્યારેય મારો દમ નથી ઘૂંટાયો. ઊલટું મને ઊડવાની પાંખો આપી છે. મને યાદ છે ૨૦૨૨નો એ સમય જ્યારે પપ્પાએ સામેથી મને ટ્રેકિંગ માટે પ્રોત્સાહિત કર્યો હતો. આમ તો કામની વ્યસ્તતા વચ્ચે સરખો સમય મળે નહીં એટલે પપ્પાને થયું કે આ રીતે મારી સાથે સમય વિતાવે. અમારી આ ટ્રિપમાં મમ્મી નથી હોતી. ફક્ત અમે બન્ને જ. પિતા સામાન્ય રીતે પોતાનાં સંતાનોને નજર સામે સુરક્ષિત જોવા માગતા હોય છે, પણ મારા પપ્પાએ મને પહાડોનાં જોખમો વચ્ચે રસ્તો શોધતાં શીખવ્યું. હમણાં એપ્રિલમાં મેં અને પપ્પાએ સિક્કિમમાં ગોએચાલા ટ્રેક કર્યો હતો.’

સૌથી વધુ ઇમોશનલ મોમેન્ટ ત્યારે આવી જ્યારે મારું સિલેક્શન જર્મનીમાં ફુટબૉલ રમવા માટે થયું એમ જણાવીને દર્શ કહે છે, ‘એ મારી જિંદગીની સૌથી મોટી તક હતી, પણ સામે દસમાની પ્રિલિમ્સ પરીક્ષાની દીવાલ હતી. કોઈ પણ સામાન્ય પિતાએ કદાચ ભણતરને પ્રાથમિકતા આપીને રમવા જવાની ના પાડી દીધી હોત. મને પણ ડર હતો કે પપ્પા કહેશે કે રમત તો પછી પણ રમાશે, પહેલાં ભણી લે. જોકે પપ્પાએ મારી આંખોમાં રહેલી ફુટબૉલ પ્રત્યેની દીવાનગી વાંચી લીધી. તેમણે બહુ સહજતાથી મારા ખભે હાથ મૂકીને કહ્યું, તું રમી આવ દર્શ, મને તારા પર વિશ્વાસ છે કે તું આવીને ભણતર પણ સાંભળી લઈશ. પિતાનો એ એક વાક્યનો ભરોસો મારા માટે કોઈ મેડલથી ઓછો નહોતો. આ દરમ્યાન હું ૩ પેપરની એક્ઝામ આપી શક્યો નહોતો અને બાકીનાં ૩ પેપરમાં મેં સારું પર્ફોર્મ કર્યું હતું. પછી સીધી દસમાની પરીક્ષા આપી તો મને ૯૬ ટકા આવ્યા. મારા પપ્પા રિઝલ્ટ જોઈને રાજીના રેડ થઈ ગયા. પપ્પાની વ્યસ્તતાને કારણે અમને ઘરમાં બેસીને દિલ ખોલીને વાતો કરવાનો સમય કદાચ ઓછો મળે છે. અમે ક્યારેય સોશ્યલ મીડિયાના વિડિયોની જેમ એકબીજાને ભેટીને પ્રેમ નથી વ્યક્ત કર્યો, પણ જ્યારે પપ્પાએ મને જર્મની જવાની પરવાનગી આપી એ સમયે તેમની આંખોમાં જે ગર્વ અને ભીનાશ હતાં એમાં દુનિયાભરનાં આઇ લવ યુ સમાઈ ગયાં હતાં. લોકો કહે છે કે પિતા સાથે દોસ્તી કરવી અઘરી છે, પણ હું ગર્વથી કહી શકું છું કે મારા મિત્ર મારા પપ્પા છે. સમય રૈના જે દીવાલ તોડવાની વાત કરે છે, મારા પપ્પાએ તો એ દીવાલને ભરોસાના પાયામાં ક્યારનીયે કન્વર્ટ કરી દીધી છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 02:20 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK