કાશીગાવમાં અનેક ફેરિયાઓએ બીજી દુકાનોમાંથી વીજળીના તાર ખેંચીને લાઇટ લીધી હોવાનું બહાર આવ્યું
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદરના કાશીગાવના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રસ્તા પર શેરડીના રસની દુકાન ચલાવતા ગૌતમ સુતાર નામના વિક્રેતાનું વીજકરન્ટ લાગવાને કારણે ગુરુવારે સાંજે ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગુરુવારે રાત્રે આશરે અગિયાર વાગ્યે ગૌતમ દુકાન બંધ કરી રહ્યો હતો એ દરમ્યાન અચાનક તેને વીજળીનો કરન્ટ લાગ્યો હતો. કરન્ટ એટલો જોરદાર હતો કે તે સીધો જમીન પર ફસડાઈ પડ્યો અને તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ કાશીગાવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કાશીગાવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘શેરડીના રસના આ વિક્રેતાએ નજીકની જ એક દુકાનમાંથી ગેરકાયદે રીતે વીજળીનું જોડાણ લીધું હતું. વીજસુરક્ષાના નિયમો પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાને કારણે જ આ ભયાનક દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતીના આધારે સામે આવ્યું છે. આ જ માર્ગ પર વ્યવસાય કરતા અન્ય કેટલાક શાકભાજી વિક્રેતાઓએ પણ આવી જ રીતે જોખમી અને ગેરકાયદે વીજજોડાણો લીધાં છે. આ સુરક્ષાની ખુલ્લેઆમ અવગણનાને કારણે આગામી સમયમાં અહીં ગમે ત્યારે બીજી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે અમે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ને પત્ર લખીને યોગ્ય તપાસ કરવા વિનંતી કરી છે. MSEDCLનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’
