Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય હવામાન ખાતાએ ચોમાસાનો સુધારેલો વર્તારો જાહેર કર્યો

ભારતીય હવામાન ખાતાએ ચોમાસાનો સુધારેલો વર્તારો જાહેર કર્યો

Published : 30 May, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં ૧૦ ટકા ઓછો વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં પણ રહેશે હીટવેવ : કેરલમમાં પહોંચનારાં વાદળો શ્રીલંકામાં અટવાયાં, ચોમાસું ૭ દિવસ મોડું બેસશે

ગરમીથી રસ્તા પીગળી ગયા અને ટાયરનાં નિશાન પડી ગયાં (તસવીરો : આશિષ રાજે, અતુલ કાંબળે)

ગરમીથી રસ્તા પીગળી ગયા અને ટાયરનાં નિશાન પડી ગયાં (તસવીરો : આશિષ રાજે, અતુલ કાંબળે)


ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે એલ નીન્યોની અસરને કારણે ચોમાસા દરમ્યાન દેશમાં સરેરાશ વરસાદ ઓછો રહેશે. એલ નીન્યો ઇફેક્ટ હેઠળ સેન્ટ્રલ અને ઈસ્ટર્ન ટ્રૉપિકલ પૅસિફિક ઓશનનું પાણી ગરમ થવાને કારણે રિકરિંગ ક્લાઇમેટિક પૅટર્ન તૈયાર થાય છે જેને કારણે પવનની નૉર્મલ પૅટર્ન બદલાય છે, વિશ્વભરના વાતાવરણ પર એની અસર થાય છે અને દુકાળ, સખત હીટવેવ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. શુક્રવારે ભારતીય હવામાન વિભાગે પ્રેસ-કૉન્ફરન્સમાં સુધારેલી વરસાદની આગાહી જાહેર કરી હતી. એપ્રિલની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં સરેરાશ વરસાદના ૯૨ ટકા વરસાદ પડશે. જોકે હવે એમાં સુધારો કરીને હવામાન વિભાગે દેશમાં ચોમાસાના ૯૦ ટકા વરસાદની આગાહી કરી છે. આ છેલ્લાં ૧૧ વર્ષનું સૌથી નબળું ચોમાસું હશે.

આ ઉપરાંત જૂન મહિનામાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવ અનુભવાય એવી શક્યતા છે. સામાન્ય રીતે વરસાદ કેરલમમાં પ્રવેશ્યા પછી ૪૦થી ૫૦ દિવસમાં રાજસ્થાન પહોંચે છે. જો ચોમાસાને ઉત્તર તરફ આગળ વધવામાં મોડું થાય તો કેટલીક જગ્યાએ ગરમીની અસર અનુભવાય છે. આ વર્ષે કેરલમમાં ચોમાસું ૭ દિવસ મોડું પહોંચવાની આગાહી છે. અત્યારે ચોમાસાનાં વાદળો શ્રીલંકામાં અટવાયાં છે જેને કારણે ભારતમાં ચોમાસું મોડું પડશે અને ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.



મહારાષ્ટ્રમાં ઓછા વરસાદની સંભાવના ૪૩ ટકા, જૂનમાં રાતનું તાપમાન ઊંચું રહેવાની સંભાવના


હવામાન વિભાગે ગઈ કાલે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે બીજા તબક્કાની લાંબા ગાળાની આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી ચોમાસાની ઋતુ અંગે મહારાષ્ટ્ર માટે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં વરસાદ ઓછો પડવાની સંભાવના ૪૩ ટકા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ૪ જૂન સુધી કોકણ કિનારા અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ૪ જૂનથી ૧૧ જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ જ સમયગાળા દરમ્યાન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના ભાગોમાં વરસાદ શરૂ થવાની ધારણા છે. પરિણામે જૂનના બીજા અઠવાડિયાથી રાજ્યભરમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. જૂન મહિનામાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ અંગે ચેતવણી જાહેર કરી છે. વિદર્ભ, મરાઠવાડા અને કેટલાક અંતરિયાળ પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. ચિંતાજનક બાબત એ છે કે લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાનો અંદાજ છે. પરિણામે રાતે પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK