કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરશો તો દુકાન અને ઑફિસ સીલ
હવે પછી જો આવી રીતે દુકાન પર વગર માસ્કે કોઈ મળી આવશે તો થાણે મહાનગરપાલિકા તેની દુકાન સીલ કરી દેશે. (તસવીર: સુરેશ કરકેરા)
થાણેમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એના પર કાબૂ મેળવવા માટે પાલિકાના કમિશનર ડૉ. વિપિન શર્માએ કમર કસી છે. તેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝેશન અને માસ્કના નિયમોનો ભંગ કરનારા દુકાનદાર અને ઑફિસોને સીલ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે આદેશનું કડક પાલન કરવા માટેની ડેપ્યુટી અને અસિસ્ટન્ટ કમિશનરોને સૂચના પણ આપી છે. પાલિકાના આ વલણથી દુકાનદારો ફફડી ઊઠ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
થાણે મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિપિન શર્માએ વૉર્ડ ઑફિસની મુલાકાત લેવાની ગઈ કાલથી શરૂઆત કરી હતી. તેમણે ગઈ કાલે કલવા વૉર્ડમાં જઈને પાલિકાના કર્મચારીઓની સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોવિડની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અનેક લોકો નિયમોનું પાલન ન કરતા હોવાનું જાણ્યા બાદ તેમણે દુકાનો અને ઑફિસો સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
થાણેમાં વાગલે એસ્ટેટમાં દુકાન ધરાવતા વિશ્વાસ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિયમનું પાલન ન કરવા બદલ દુકાનો કે ઑફિસને સીલ કરવાનો પાલિકાનો નિર્ણય યોગ્ય નથી. એકાદ કસ્ટમરે માસ્ક નહીં પહેર્યો હોય અને પાલિકાની ટીમ આવી જશે તો અમે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. પાલિકાના આવા નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ ફેલાશે. અમને કાયમ ડર રહેશે કે અજાણતા કોઈ નિયમનું પાલન નહીં થાય તો અમારી દુકાન સીલ થઈ જશે.’
થાણે રેલવે સ્ટેશન નજીક જ એસ્ટેટ એજન્ટની ઑફિસ ધરાવતા ચિરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાનો સીલ કરવાનો આદેશ ડરાવનારો છે. મોટા ભાગના લોકો નિયમોનું પાલન કરે છે, પણ એકાદ વખત કોઈનાથી ભૂલ થશે તો પણ કાર્યવાહીનો ડર રહેશે, જે યોગ્ય નથી. હા, જાહેર માર્ગ કે સ્થળે માસ્ક પહેરવાથી લઈને બીજા નિયમોનું પાલન ન થતું હોય તો ચોક્કસ પાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ.’
થાણેમાં ડ્રાયફ્રૂટ્સની દુકાન ધરાવતા હસમુખ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને હરાવવા માટે થાણેના કમિશનરે જે આદેશ આપ્યો છે એ સારો છે. નિયમનું પાલન કરીશું તો જ દુકાનદારની સાથે ગ્રાહકો વાઇરસથી બચશે. મોટા ભાગના દુકાનદારો કે ઑફિસવાળા સાવચેતી રાખે છે, પણ જેઓ કાયદાનું પાલન નથી કરતા તેઓ ફફડી જાય એ સ્વાભાવિક છે. અમે અમારા સ્ટાફથી લઈને ગ્રાહકોને પણ કોરોનાનું સંક્રમણ ન થાય એ માટે સાવચેતી રાખીએ છીએ. આથી અમને દુકાન સીલ થવાનો ડર નથી.’
પાલિકાના કમિશનરે કોરોના વાઇરસનો ફેલાવો ન થાય એ માટે તમામ સાર્વજનિક શૌચાલય દિવસમાં પાંચથી છ વખત સાફ કરવાની સૂચના આપી છે. આ સિવાય સાર્વજનિક સ્થળ, લોકોની ગિરદી થતી હોય એવી જગ્યાને સૅનિટાઇઝ કરવાની તેમ જ મૅરેજ હૉલ અને ક્લબ વગેરે સ્થળોએ રોજેરોજ જઈને નિયમોનું પાલન થાય છે કે કેમ એ ચકાસવાનું અધિકારીઓને કહ્યું હતું.
1,52,500 - ૨૦ અને ૨૧ ફેબ્રુઆરીએ થાણેમાં માસ્ક ન પહેરનારા ૩૦૫ લોકો પાસેથી આટલા રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો.

