નગરપાલિકાએ કાર્યવાહી કરીને ત્રણ દુકાન બંધ કરાવી
સાંઈબાબાના વિખ્યાત મંદિર
શિર્ડીમાં આવેલા સાંઈબાબાના વિખ્યાત મંદિરમાં દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જાય છે. ભક્તિભાવથી સાંઈબાબાનાં દર્શન કરવા જનારા લોકોને કેટલાક સ્થાનિક દુકાનદારો સાંઈબાબાનાં ચરણે અર્પણ કરવા માટેની સામગ્રી કે પ્રસાદ સામાન્ય કરતાં વધુ ભાવે વેચતા હોવાની ફરિયાદ મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓની મદદથી શિર્ડીની નગરપાલિકાએ વધારે રૂપિયા પડાવતા ત્રણ દુકાનદાર સામે કાર્યવાહી કરીને દુકાન બંધ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહીથી શિર્ડીના દુકાનદારો ફફડી ઊઠ્યા છે. અહિલ્યાનગરના પાલક પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવીને ભક્તોને લૂંટનારાઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
શિર્ડીના સાંઈબાબાના મંદિરની આસપાસ પ્રસાદ, હાર, ફૂલ સહિતની વિવિધ સામગ્રીના વેચાણ માટે અનેક દુકાનો છે. આમાંની કેટલીક દુકાનમાં ભક્તો પાસેથી મનફાવ્યા ભાવ લેવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ આવા દુકાનદારો સામે આક્રોશ વ્યક્ત કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી સ્થાનિક નગરપાલિકામાં કરી છે. આ માગણીને પગલે શુક્રવારે ત્રણ દુકાન સામે કાર્યવાહી કરીને દુકાનોને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત નગરપાલિકાએ કરી છે એટલે ભક્તો પાસેથી વધુ રૂપિયા પડાવતા દુકાનદારો સાવચેત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.


