૩૫૦૦ કરોડ રૂપિયના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે રેવસ-કરંજા સી-બ્રિજ.
પ્રતીકાત્મક તસવીર
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એ મુંબઈ અને અલીબાગ વચ્ચેની રોડ-કનેક્ટિવિટી હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે. રેવસ-કરંજા સી-બ્રિજ તૈયાર થવાથી રાયગડના દરિયાકાંઠાના વિસ્તાર સુધી પહોંચવાનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ મુંબઈથી અલીબાગની મુસાફરીનો સમય હાલના ત્રણથી ૪ કલાકથી ઘટીને અંદાજે ૪૫ મિનિટ થઈ જશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ ધર્મતર ખાડી પર અલીબાગ તાલુકાના રેવસને ઉરણ તાલુકાના કરંજા સાથે જોડશે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ૩૫૦૦ કરોડ રૂપિયા છે અને એને નવેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે એની અંતિમ સમયમર્યાદા બાંધકામની પ્રગતિ અને અપ્રોચ-રોડના બાકી રહેલા કામ પર આધારિત રહેશે.
ADVERTISEMENT
૧૦.૨ કિલોમીટર લાંબો કૉરિડોર
પ્રસ્તાવિત કૉરિડોર લગભગ ૧૦.૨ કિલોમીટર લાંબો હશે જેમાં ખાડી પર બનનારા અંદાજે બેથી ૨.૪ કિલોમીટરના બ્રિજનો પણ સમાવેશ થાય છે. એનાથી ઉરણ અને અલીબાગ વિસ્તારો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી મળશે તેમ જ નવી મુંબઈ અને રાયગડની આસપાસના મહત્ત્વના ટ્રાન્સપોર્ટ અને કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચવું વધુ સરળ બનશે.
આ બ્રિજની ડિઝાઇનમાં ખાડીની ઉપર પૂરતી ઊંચાઈ રાખવામાં આવી છે જેથી મોટાં જહાજો એની નીચેથી સરળતાથી પસાર થઈ શકે.
