બાળપણથી સંપર્કમાં આવેલા મુસ્લિમોની નેકી અને પ્રામાણિકતાથી પ્રેરાઈને પહેલી વાર આખો મહિનો ઉપવાસ કરવાનો નિર્ણય લીધો
ગઈ કાલે સાંજે ૧૧મા રોજાની ઇફ્તારી કરી રહેલાં મંજુ વોરા
મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે બોરીવલીમાં રહેતાં૫૯ વર્ષનાંકચ્છી જૈન ગૃહિણી મંજુ વોરા પણ મુસ્લિમ ભાઈ-બહેનોની જેમ રોજા-ઉપવાસ કરી રહ્યાં હોવાનું જાણીને સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે. મંજુ વોરાના પરિવારમાંથી પાંચ અને તેમના નજીકના ૨૬ લોકોએ દીક્ષા લીધી છે અને તેમણે પોતે પણ બે વખત સંસાર ત્યાગવાનો સંકલ્પ કર્યો હતો, પણ કોઈક કારણસર તેઓ દીક્ષા નહોતાં લઈ શક્યાં.
બોરીવલી (વેસ્ટ)માં સોડાવાલા લેન પાસેની સોસાયટીમાં રહેતાં અને મૂળ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનાં મંજુ વોરા અવારનવાર એકાસણું અને આયંબિલના ઉપવાસ કરે છે. જૈન ધર્મ અને સાધુ-ભગવંતો પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે એટલે તેમણે જૈન તીર્થોની અનેક યાત્રા પગપાળા ચાલીને કરી છે. રોજા રાખવાની પ્રેરણા મળવા વિશે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળપણથી હું મુસ્લિમોના સંપર્કમાં છું. કચ્છમાં પિતાના ઘરે એક ફકીર ભાઈ દૂધ આપવા આવતા. તેમની પ્રામાણિકતા મને આકર્ષી ગઈ હતી.આવી જ રીતે મારી બહેને કાલબાદેવીની મુસ્લિમ ભાઈની એક દુકાનમાંથી મારા માટે સામાન ખરીદ્યો હતો. પાંચ વર્ષ પછી આ સામાન ખરાબ થઈ જતાં મેં દુકાનદારને જાણ કરી હતી. તેણે કોઈ પણ સવાલ-જવાબ કર્યા વિના તરત જ સામાન બદલી આપ્યો હતો. આવી નેકી અને પ્રામાણિકતા ધરાવતાં ૯૫ ટકા મુસ્લિમ ભાઈ-બહેનો રોજા રાખે છે. તેઓ રોજા રાખીને બધાં જ રોજબરોજનાં કામ કરે છે. તેમની આ વાત મને સ્પર્શી ગઈએટલે થયું કે રોજા પણ રાખવા જોઈએ એટલે આ વખતે મેં આખો મહિનો આ ઉપવાસ કરવાનો નિર્ણય લીધો હતો.’
ADVERTISEMENT
હિન્દુ કે જૈન ધર્મના ઉપવાસમાં સાદું કે ગરમ પાણી લેવાની છૂટ હોય છે, પણ રોજામાં તો થૂંક પણ ગળી નથી શકાતું. રમઝાનના ૧૧ દિવસ થયા છે તો એમાં કોઈ મુશ્કેલી થઈ રહી છે? એના જવાબમાં મંજુ વોરાએ કહ્યું હતું કે ‘જરાય નહીં. ૩૮ વર્ષ પહેલાં અને તાજેતરમાં ૨૦૧૯માં મેં દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે સાધુ-ભગવંતોની સાથે વિહાર કરવાથી લઈને આકરા ઉપવાસ કર્યા હતા. સવારથી સાંજ સુધીના સમયમાં પાણી વિના બહુ વાંધો નથી આવતો. આમ પણ મને દરરોજ ૧૦ કિલોમીટર જેટલું ચાલવાની આદત હોવાથી શરીર કસાયેલું છે એટલે ૧૧ દિવસ કોઈ પણ તકલીફ વિના નીકળી ગયા છે. મને વિશ્વાસ છે કે આખો રમઝાન મહિનો કોઈ અડચણ વિના પસાર થઈ જશે.’

