પ્રવાસીઓને પણ ટ્રેનના દરવાજે ઊભા ન રહેવાની પોલીસે કરી અપીલ
વેસ્ટર્ન રેલવેમાં ટ્રૅકને અડીને રહેતા લોકોને GRPના અધિકારીઓએ સમજાવ્યા હતા. (ઉપર) આજે અને કાલે ટ્રેનની અંદર અને સ્ટેશન પર વધારે પોલીસના અધિકારીઓ રાખવામાં આવશે. (નીચે)
હોળી વખતે ટ્રૅકની પાસે રહેતા લોકો ફુગ્ગા ફેંકતા હોવાથી GRPએ આવા હાઈ રિસ્ક એરિયા આઇડેન્ટિફાય કર્યા છે જ્યાં આજે અને કાલે ખાસ પહેરો રાખવામાં આવશે: પ્રવાસીઓને પણ ટ્રેનના દરવાજે ઊભા ન રહેવાની પોલીસે કરી અપીલ
મુંબઈ પોલીસની જેમ જ રેલવે પોલીસ પણ આજે અને આવતી કાલે હોળીને લીધે અલર્ટ પર છે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ટ્રેન પર કે રેલવેની હદમાં પાણી ભરેલા ફુગ્ગા કે પ્લાસ્ટિકની કોથળી ફેંકશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પ્રવાસીઓને પણ બે દિવસ ટ્રેનના દરવાજે ઊભા ન રહેવાની અપીલ કરી છે. દર વર્ષે હોળી પર ટ્રેનના દરવાજે ઊભા રહેલા પ્રવાસીઓ પર તોફાની તત્ત્વો પાણી ભરેલા ફુગ્ગા ફેંકતા હોય છે. અમુક વખત તો એને લીધે ઍક્સિડન્ટ પણ થયા છે અને આ જ કારણસર પોલીસે આ તહેવારમાં કોઈ દુર્ઘટના ન બને એ માટે મોટી સંખ્યામાં જવાનોને તહેનાત રાખવાનું નક્કી કર્યું છે.
GRPના કમિશનર રવીન્દ્ર શિસવેએ કહ્યું હતું કે ‘અમે આજે અને આવતી કાલે ટ્રેનની અંદર યુનિફૉર્મમાં જવાનોને તહેનાત રાખવાના છીએ. અમારા આ જવાનો ટ્રેનમાં પૅટ્રોલિંગ કરશે જેથી કોઈ અઘટિત ઘટના ન બને. ટ્રેન પર પાણી ભરેલો ફુગ્ગો કે પ્લાસ્ટિકની કોથળી ફેંકવી જોખમી પુરવાર થઈ શકે છે, કારણ કે એનાથી દરવાજે ઊભા રહેલા પ્રવાસીનું બૅલૅન્સ જઈ શકે છે અને એને કારણે ઍક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે. સૌથી વધારે પ્રૉબ્લેમ સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં છે. અમે આ વિસ્તારોમાં ટ્રૅકની નજીક રહેતા લોકોને સિટી પોલીસની મદદથી સમજાવી રહ્યા છીએ કે જો તેમણે ફુગ્ગા ફેંક્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.’
GRPના બીજા એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે હૉટ સ્પૉટ શોધી કાઢ્યા છે અને અમારી ટીમ ટ્રૅકને અડીને આવેલા સ્લમમાં જઈને ત્યાંના લોકો સાથે વાત પણ કરી રહી છે. અમારા કહેવા મુજબ સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં હાઈ રિસ્ક એરિયા સાયન, વડાલા, કુર્લા છે; જ્યારે વેસ્ટર્ન રેલવેમાં બાંદરા અને માહિમ છે. આ વિસ્તારોમાં ખાસ પહેરો રાખવામાં આવશે.’
કાયદા મુજબ જે પણ ફુગ્ગો ફેંકતાં પકડાશે તેને ભારે દંડની સાથે જેલની સજા થઈ શકે છે. GRPને મદદ કરવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પણ ઝૂંપડપટ્ટીના લોકોને સમજાવવાનું કામ કરી રહી છે.

