FDA અને કૉર્પોરેશને ખાણીપીણીની દુકાનમાં તપાસ શરૂ કરી.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં શાવરમા ખાધા બાદ શંકાસ્પદ ફૂડ-પૉઇઝનિંગને કારણે એક ગર્ભવતી મહિલા સહિત ૧૭ વ્યક્તિઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વ્યક્તિઓએ સોમવારે રાતે ભિવંડીના વણઝારપટ્ટી નાકા વિસ્તારમાં આવેલી ખાણીપીણીની એક દુકાનમાં આ શાવરમા ખાધો હતો.
ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (BNCMC)ના મેડિકલ-ઑફિસર ઑફ હેલ્થ સંદીપ ગાડેકરે જણાવ્યું હતું કે ‘શાવરમા ખાધા પછી તેમને ઊલટી, ચક્કર અને ઝાડા સહિતની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઊભી થઈ હતી. અસરગ્રસ્ત ૧૭ વ્યક્તિઓને ભિવંડીની ઇન્દિરા ગાંધી મેમોરિયલ (IGM) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે.’
ADVERTISEMENT
દરદીઓના મળના નમૂના લૅબોરેટરી તપાસ માટે એકત્ર કરવામાં આવ્યા છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ નિરીક્ષણ અને તપાસ કરવા માટે દુકાન પર દોડી ગયા હતા, જ્યારે સ્થાનિક પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. સંદીપ ગાડેકરે જણાવ્યું હતું કે BNCMCનો આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
