Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: BMCએ ભૂગર્ભ પાર્કિંગ માટે પ્લૉટ્સની શોધ ફરી શરૂ કરી

News In Shorts: BMCએ ભૂગર્ભ પાર્કિંગ માટે પ્લૉટ્સની શોધ ફરી શરૂ કરી

Published : 03 September, 2026 08:39 AM | Modified : 03 September, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભ્યો અને કૉર્પોરેટરોની માગણીઓ બાદ BMCએ તમામ વૉર્ડમાં એવા પ્લેગ્રાઉન્ડ પ્લૉટ્સની ઓળખ કરવાની કવાયત ફરી શરૂ કરી છે,

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


વિધાનસભ્યો અને કૉર્પોરેટરોની માગણીઓ બાદ BMCએ તમામ વૉર્ડમાં એવા પ્લેગ્રાઉન્ડ પ્લૉટ્સની ઓળખ કરવાની કવાયત ફરી શરૂ કરી છે, જ્યાં ભૂગર્ભ પાર્કિંગ-સુવિધાઓ વિકસાવી શકાય. બાંદરામાં પટવર્ધન પાર્ક અને ભાયખલામાં ઝૂલા મેદાન ખાતેના ભૂગર્ભ પાર્કિંગ પ્રોજેક્ટ્સને લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકોના વિરોધ બાદ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ આ પગલું આવ્યું છે. ૨૦૧૮માં BMCએ ભાયખલામાં ઝૂલા મેદાન નીચે મલ્ટિ-લેવલ ભૂગર્ભ પાર્કિંગ-લૉટ બનાવવાનો નિર્ણય લીધો હતો અને પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. વિરોધ બાદ ૨૦૧૯માં એને મુલતવી રાખવામાં આવ્યો હતો. એવી જ રીતે માર્ચ ૨૦૨૩માં BMCએ બાંદરા-વેસ્ટમાં રાવસાહેબ પટવર્ધન ગાર્ડનને અડીને આવેલા પ્લૉટ પર ભૂગર્ભ પાર્કિંગ-લૉટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. સ્થાનિક લોકોના પ્રતિકાર બાદ ૨૦૨૪માં પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ જુહુમાં પુષ્પા નરસી પાર્ક નીચે પાર્કિંગ-લૉટનો પણ વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોના વિરોધ બાદ માટુંગા રેલવે-સ્ટેશનની બહાર મલ્ટિ-લેવલ રોબોટિક પાર્કિંગ ટાવર રદ કરવાની પણ નાગરિક સંસ્થાને ફરજ પડી હતી.

૫૦૦૦ સૈનિકો સાથેનું અમેરિકન યુદ્ધજહાજ ૨૮૬ દિવસ સમુદ્રમાં રહ્યા પછી થાઇલૅન્ડના બંદરે પહોંચ્યું



અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ૨૮૬ દિવસ સતત સમુદ્રમાં રહ્યા પછી ૫૦૦૦ અમેરિકન સૈનિકો સાથેનું USS અબ્રાહમ લિંકન ઍરક્રાફ્ટ કૅરિયર ગઈ કાલે થાઇલૅન્ડના ચોનબુરી પ્રાંતના લેમ ચાબાંગ બંદર પર પહોંચ્યું હતું. ઘણા સૈનિકો થાઇલૅન્ડના લોકપ્રિય બીચટાઉન પટાયાની મુલાકાત લે એવી અપેક્ષા છે. પટાયામાં અધિકારીઓએ અમેરિકન યુદ્ધજહાજના આગમન પહેલાં સેક્સવર્કર્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. આ અમેરિકન જહાજના ક્રૂમાં માનસિક સ્વાસ્થ્ય બગડવાના અને ખોરાક અને સ્વચ્છતા-ઉત્પાદનો સહિત પુરવઠાની અછતના અહેવાલો બાદ લિંકનને થાઇલૅન્ડ પહોંચાડવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લિંકનનું આ સ્ટૉપ એના અમેરિકન બેઝ પર પાછા ફરતાં પહેલાં ક્રૂના આરામ અને રિકવરીનું રહેશે. અમેરિકન સૈનિકોની પટાયાની મુલાકાત સ્થાનિક અર્થતંત્રને વેગ પૂરો પાડે એવી અપેક્ષા છે. સૈનિકોની મુલાકાત સુરક્ષિત રહે એ માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે.


તામિલનાડુનાં બાવન મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ

તામિલનાડુમાં વિજયની સરકારે રાજ્યભરનાં બાવન મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો મંગળવારથી અમલમાં આવ્યા હતા. મંદિરમાં સ્માર્ટફોન લઈ જનારા ભક્તોએ ફોનને નિયુક્ત કાઉન્ટર પર જમા કરાવવો પડશે અને પ્રતિ ફોન પાંચ રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે કૅમેરા વગરના મોબાઇલ ફોનને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. મંદિર-પરિસરમાં ભક્તો, ખાસ કરીને યુવાનો દ્વારા ફોટોગ્રાફી કરવી, રીલ બનાવવી અને વિડિયો રેકૉર્ડિંગ કરવું, ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવું આ બધા વિશે ચિંતા વ્યક્ત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનની એકાંત કેદ પર પ્રતિબંધ મૂક્યો

પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઈ કોર્ટે મંગળવારે અડિયાલા જેલના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને એકાંત કેદમાં ન રાખવામાં આવે. કોર્ટે આદેશ આપ્યો કે ઇમરાન ખાનને જેલના નિયમો અનુસાર પરિવારના સભ્યોને મળવાની મંજૂરી આપવામાં આવે અને જેલના નિયમો અનુસાર તબીબી સુવિધાઓ સાથે દરરોજ અખબારો અને પુસ્તકો પૂરાં પાડવામાં આવે.

વિજયે વૃદ્ધ મહિલાને પોતાના ૪૧,૦૦૦ રૂપિયાના સનગ્લાસિસ ગિફ્ટમાં આપ્યા, વિડિયો વાઇરલ

તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે તાજેતરમાં સેલમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એક વૃદ્ધ મહિલાને પોતે પહેરેલા ૪૧,૦૦૦ રૂપિયાના બ્રૅન્ડેડ સનગ્લાસિસ ગિફ્ટમાં આપ્યા હતા. તેમનું આ વર્તન ઘણા લોકોને સ્પર્શી ગયું હતું. તેમની ગિફ્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ચેલમ નામની આ મહિલાએ કહ્યું હતું કે ‘જ્યારે તે આવીને મારી બાજુમાં ઊભો રહ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. મેં તેમને કહ્યું કે હું તમને જોઈને કેટલી ખુશ છું અને તેમણે મને આ સનગ્લાસિસ ભેટમાં આપ્યા હતા.’

ભારતના નજીવા ચાર્જનો વિરોધ કરનાર બંગલાદેશ ચીનને ૧૨૭ ટકા વધારે રકમ આપીને વીજળી ખરીદશે

બંગલાદેશ અત્યારે ગંભીર વીજકટોકટીનો સામનો કરી રહ્યું છે. થોડા સમય પહેલાં જ બંગલાદેશે ક્રૉસ બૉર્ડર વીજળી-વ્યવહાર માટે ભારતના ૦.૦૧ રૂપિયાના નજીવા ચાર્જનો સખત વિરોધ કર્યો હતો. બાદમાં ભારતે આ ચાર્જ ઘટાડીને ૦.૦૦૫ રૂપિયા કરી દીધો હતો. જોકે હવે તારિક રહમાનની સરકાર ચીનની એક કંપની પાસેથી ૧૯.૨૫ રૂપિયા (૨૫ ટકા) પ્રતિ યુનિટના અધધ ભાવે વીજળી ખરીદવાની તૈયારી કરી રહી છે. આ કિંમત ભારત દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળીની ૮.૪૭ રૂપિયા (૧૧ ટકા)ની કિંમત કરતાં ૧૨૭ ટકા વધુ છે. અગાઉ ૨૪ ઑગસ્ટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) દ્વારા ભારતે આ નજીવો ચાર્જ સૂચવ્યો હતો, જેનો ઢાકાએ સખત વિરોધ કર્યો હતો. હવે ચીની પ્રોજેક્ટ હેઠળ ઢાકાના અમીનબજાર ડમ્પિંગ સાઇટ પરથી ૪૨ મેગાવૉટ (MW) વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. 

રશિયન મિસાઇલ-હુમલામાં યુક્રેનમાં ૧.૨૦ કરોડ પુસ્તકોનો નાશ

યુક્રેનના પ્રકાશન અને લૉજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયન મિસાઇલ-હુમલાઓમાં લગભગ ૧.૨૦ કરોડ પુસ્તકોનો નાશ થયો હતો. એમાં સ્કૂલોની હજારો નવી બુક્સનો સમાવેશ થાય છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ ૩૫થી વધુ પ્રિન્ટિંગ-પ્લાન્ટ, પ્રકાશન-સુવિધાઓ અને વેરહાઉસને અસર થઈ છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે યુક્રેનની સ્કૂલો નવા શૈક્ષણિક વર્ષની તૈયારી કરી રહી છે. આ મુદ્દે એક પ્રકાશન કંપનીના માલિકે જણાવ્યું હતું કે રશિયનો યુક્રેનને એક રાષ્ટ્ર તરીકે ભૂંસી નાખવાના પ્રયાસમાં પ્રિન્ટિંગ-હાઉસ અને વેરહાઉસને નિશાન બનાવી રહ્યા છે, રશિયન ફેડરેશન તરફથી આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે.

થાણેના હીરાનંદાની એસ્ટેટમાં ૧૧ માળની સોસાયટીના ત્રીજા માળે ફ્લૅટમાં આગ લાગી

થાણે-વેસ્ટના ઘોડબંદર રોડ પર આવેલી હીરાનંદાની એસ્ટેટના ૧૧ માળની કેપ્રી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે ફ્લૅટ નંબર ૩૦૩માં ગઈ કાલે બપોરે સાડાચાર વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનાં રેસ્ક્યુ વાહન, જમ્બો વૉટર ટેન્કર, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના કર્મચારીઓ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ફાયર ફાઇટરોના સતત પ્રયાસો બાદ સાંજના બે કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં ફ્લૅટમાંનો AC યુનિટ, TV, લાકડાનું બેડ, કબાટ અને કપડાં સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદ્નસીબે ફ્લૅટમાં રહેતી બન્ને મહિલાઓ આગ લાગતાંની સાથે જ તરત જ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

નેપાલમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ માટે DNA સૅમ્પલ ક્લેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ

નેપાલમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ભયાવહ હોનારતમાં ગુમ થયેલા મહારાષ્ટ્રના નાગરિકોના મૃતદેહોની ઓળખ માટે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કાલિનામાં આવેલી ડિજિટલ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (DFSL) અને તમામ જિલ્લાના સિવિલ સર્જ્યનોને ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોનાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ પ્રાથમિકતાના ધોરણે એકઠાં કરવાનો નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય વિદેશ-મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ લેવામાં આવ્યો હતો. ગુમ થયેલા નાગરિકોના મૃતદેહોની સાચી ઓળખ થઈ શકે એ માટે તેમના ફર્સ્ટ-ડિગ્રી રિલેટિવ્સ એટલે કે માતા-પિતા, બાળકો કે ભાઈ-બહેનના DNA પ્રોફાઇલ નેપાલ પોલીસ સાથે શૅર કરવામાં આવશે, જેથી ત્યાં મળેલા મૃતદેહોનાં સૅમ્પલ સાથે એને મૅચ કરી શકાય. આ પ્રક્રિયાથી પૂર હોનારતમાં જીવ ગુમાવનારા ભારતીયોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં મદદ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK