ખારઘરમાં દીપડા જોવા મળ્યાની ચેતવણી, કલ્યાણમાં બારમાં છેડતી, ટ્રેનમાં વિક્ષેપ, અને કોસ્ટ ગાર્ડના રેતીના શિલ્પના સમાચાર.
ખારઘર હિલ્સ વિસ્તારમાં દીપડો દેખાયા બાદ સાવચેતીનાં પગલાંરૂપે વનવિભાગે લોકો અલર્ટ રહે એ માટે એક નોટિસ બોર્ડ મૂક્યું
ખારઘર હિલ્સ વિસ્તારમાં દીપડો દેખાયા બાદ સાવચેતીનાં પગલાંરૂપે વનવિભાગે લોકો અલર્ટ રહે એ માટે એક નોટિસ બોર્ડ મૂક્યું છે. એમાં લોકોએ શું કરવું અને શું ન કરવું એની માહિતી આપવામાં આવી છે.
કલ્યાણમાં બારસિંગરની છેડતી કરનારા બે જણ પકડાયા
ADVERTISEMENT
કલ્યાણના એક બારમાં બુધવારે રાતે સિંગરની છેડતી કરવાનો બનાવ બન્યો હતો. આરોપીએ બારમાં ગીત ગાતી યુવતીની છેડતી કરીને અણછાજતી માગણી કરી હતી. જોકે તે યુવતીએ તેની એ અણછાજતી માગણી ફગાવી દીધી હતી અને ત્યાંથી ખસી ગઈ હતી. એ વખતે આરોપીએ તેના પર બિયરની બૉટલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જોઈને બારના મૅનેજર અને અન્ય સ્ટાફ-મેમ્બરો દોડી આવ્યા હતા અને તેને રોકી દીધો હતો. એ પછી આરોપીએ ફોન કરીને તેના મિત્રને બોલાવ્યો હતો અને તેમણે બન્ને જણે ત્યાર બાદ ત્યાં બહુ જ ધમાલ મચાવી હતી અને લોકોને ધમકાવ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
ઓવરહેડ વાયરમાં ક્ષતિ સર્જાવાથી ઘોલવડ અને દહાણુ વચ્ચે બે કલાક ટ્રેન ખોરવાઈ
ગઈ કાલે સવારે ૬.૩૮ વાગ્યે પીક-અવર્સમાં ઘોલવડ અને દહાણુ વચ્ચે અપલાઇનમાં ઓવરહેડ વાયરમાં ક્ષતિ સર્જાતાં બે કલાક સુધી ટ્રેનસર્વિસ ખોરવાઈ ગઈ હતી. એને કારણે અનેક પૅસેન્જર ટ્રેનોને અસર થઈ હતી અને સવારના ધસારાના સમયે કામ પર જનારા લોકો અટવાઈ ગયા હતા. ઘણા પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરીને બાય રોડ દહાણુ સુધી ગયા હતા અને ત્યાંથી લોકલ ટ્રેન પકડીને વિરાર અને મુંબઈ નોકરી માટે આવ્યા હતા. એને લીધે બહારગામની ગાડીઓ પણ મોડી પડી હતી.
રેતશિલ્પમાં કોસ્ટગાર્ડની બોટને જોઈ લો
આજે થનારા કોસ્ટગાર્ડના બીચ ક્લીન-અપ અભિયાનની પૂર્વસંધ્યાએ આર્ટિસ્ટ વૈભવ કટવાતેએ ગિરગામ ચોપાટી પર કોસ્ટગાર્ડની બોટનું એના લોગો સાથે રેતશિલ્પ બનાવ્યું હતું.
(તસવીર : આશિષ રાજે)