નવી મુંબઈ કમિશનરેટની હદમાં પણ ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર સવારે ૬ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ખારઘરમાં હિંદ-દી-ચાદર શ્રી ગુરુ તેગબહાદુર સાહેબજીના ૩૫૦મા શહીદ સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ટ્રાફિક-વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટે ૨૮ ફેબ્રુઆરી અને પહેલી માર્ચે હાઇવે પર છ અને દસ પૈડાંવાળાં વાહનો સહિત તમામ ભારે વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. નવી મુંબઈ કમિશનરેટની હદમાં પણ ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર સવારે ૬ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુર્શિદાબાદમાં પ્લાસ્ટિક બૅગમાં મળી આવ્યા ૧૫ દેશી સૉકેટ બૉમ્બ
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સુરક્ષા-વ્યવસ્થાને કડક બનાવવામાં આવી છે. આ કડક તપાસમાં પોલીસને મુર્શિદાબાદમાં સાગરડિઘી ગામ પાસે ત્રણ નાયલૉન બૅગ ભરીને વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. બૅગમાં ૧૫ દેશી બનાવટના સૉકેટ બૉમ્બ મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાંથી આ પ્રકારના ઘરમેળે બનાવેલા બૉમ્બનું મળી આવવું એ પહેલી વારની ઘટના નથી. છાશવારે અહીંથી વિસ્ફોટકોથી દેશી સ્ટાઇલમાં બનાવેલા બૉમ્બ મળી આવે છે. સુરક્ષા એજન્સીઓ હવે આ બૉમ્બ બનાવતી ફૅક્ટરીઓનું પગેરું શોધી રહી છે.
રાજસ્થાનમાં ટ્રેલર સાથે ટકરાઈ સ્લીપર બસ, ૬ વ્યક્તિનાં મોત
રાજસ્થાનના બાલોતરામાં ગઈ કાલે એક રોડ-અકસ્માતમાં સ્લીપર બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ડૅમેજ થઈ ગયો હતો. અકસ્માત પછી સ્થાનિક લોકોએ ઘાયલોને રેસ્ક્યુ કરીને નજીકની હૉસ્પિટલમાં ભરતી કર્યા હતા. જોકે બસમાં સવાર ૬ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
ચાલતી બસમાં લાગી આગ, ૭૦ મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યો
જયપુરમાં રાજસ્થાન રોડવેઝની ચાલતી બસમાં ગઈ કાલે બપોરે ૨.૪૦ વાગ્યે શૉર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગતાં ગણતરીની મિનિટોમાં આખી બસમાં ફેલાઈ ગઈ હતી. માનસરોવર ચાર રસ્તા પાસે સાંગાનેર તરફ જતી બસમાં ભરબપોરે આગ લાગી હતી. ડ્રાઇવરે તરત જ બસ રોકીને મુસાફરોને ચેતવતાં બધાને જીવ બચાવવા માટે કૂદકો મારવાનું કહ્યું હતું. કેટલાક લોકો પાછળના દરવાજેથી તો કેટલાક બસની બારીઓમાંથી કૂદી ગયા હતા. ફાયરબ્રિગેડની બે ગાડીઓને આગ બુઝાવતાં પોણો કલાક લાગ્યો હતો.
તુર્ભેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ
તુર્ભેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ગઈ કાલે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. એને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર-ફાઇટિંગ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગનો વ્યાપ વધી જતાં એને કાબૂમાં લેવા માટે નેરુળ, કોપરખૈરણે, ઐરોલી, વાશી, બેલાપુર તેમ જ MIDC વિભાગના ફાયર-બ્રિગેડનાં ફાયર-એન્જિનો મગાવવામાં આવ્યાં હતાં. વાશી ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું કે ‘સવારે પાંચ વાગ્યે આગ લાગી હોવાની જાણ થઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.’
આવતી કાલથી ફોર્ટમાં શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ ટુર્નામેન્ટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્ટ ગ્રુપ દ્વારા ચર્ચગેટમાં આવેલા ઓવલ મેદાનમાં આવતી કાલે અને મંગળવારે ત્રીજી માર્ચે ધુળેટીના દિવસે શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ ઇલેવન, યારી ઇલેવન, ફોર્ટ ઇલેવન, ઠાકોર ઇલેવન, સ્ટાર સ્કવૉડ ઇલેવન, આલમદાર ઇલેવન, નમો ઇલેવન, રૉયલ ઇલેવન, કચ્છ કેસરી ઇલેવન, ક્રિષ્ના ઇલેવન, આશાપુરા ઇલેવન, દાણુવે ઇલેવન, ગોરાઈ ઇલેવન, મુરલીધર ઇલેવન, ઈગલ ચાર્જર ઇલેવન અને NGM બૉય ઇલેવન એમ કુલ ૧૬ ટીમ ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે લીગ રાઉન્ડ, ક્વૉર્ટર ફાઇનલ, સેમી-ફાઇનલ અને ફાઇનલમાં ૮-૮ઓવરનો જંગ જામશે. ૨૦૦૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ગયા વર્ષે યારી ઇલેવન ચૅમ્પિયન બની હતી. આવતી કાલે સવારે ૬.૩૦ વાગ્યે સમાજના અગ્રણીઓ, મહેમાનો અને ખેલાડીઓની હાજરીમાં ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઈ પટેલના હસ્તે થશે. મંગળવારે સાંજે ૪ વાગ્યે ઇનામ-વિતરણ સમારોહ યોજાશે.
