માથેરાન, મહાબળેશ્વર અને લોનાવલા જેવાં પર્યટન-સ્થળોએ વીક-એન્ડથી જ સહેલાણીઓ ઊમટી પડ્યા હોવાથી જો તમે થર્ટીફર્સ્ટ મનાવવા આ સ્થળોએ જવાના હો તો પૂરતી તૈયારી કરીને જજો
માથેરાનના ઘાટમાં શનિવારે અને ગઈ કાલે વાહનોની અઢી કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી
કી હાઇલાઇટ્સ
- માથેરાનમાં તો દસ્તૂરી પૉઇન્ટ પહોંચવા માટે જ વાહનોની અઢીથી ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઇન
- શનિ-રવિમાં માથેરાનમાં લાંબી લાઇન લાગી હતી
- મહાબળેશ્વર-લોનાવલા પણ હાઉસફુલ
ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શનિવારે અને રવિવારે મુંબઈગરાઓનાં ફેવરિટ પર્યટનસ્થળો પર આ બે દિવસ જબરદસ્ત ગિરદી જોવા મળી હતી. મહાબળેશ્વર અને લોનાવલામાં દર વર્ષની આ વખતે વીક-એન્ડમાં પણ ખૂબ ભીડ જામી હતી. જોકે મુંબઈની નજીક આવેલા હિલસ્ટેશન માથેરાનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચતાં શનિવારે અને ગઈ કાલે વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. એટલું જ નહીં, માથેરાનમાં એકસાથે ૧૨,૦૦૦થી વધુ લોકો પહોંચી જતાં બધું હાઉસફુલ થઈ ગયું હતું. માથેરાનના દસ્તૂરી પૉઇન્ટ પર વાહનોનું પાર્કિંગ ફુલ થઈ ગયું હતું એટલે નેરળથી માથેરાન તરફ જનારી કારોને રસ્તામાં જ રોકી દેવામાં આવતાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. જેઓ ચાલી શકે એમ હતા તેઓ ચાલીને અઢી કિલોમીટરનો રસ્તો કાપીને માથેરાન પહોંચ્યા હતા. ચાલીને દસ્તૂરી પૉઇન્ટ સુધી પહોંચી ન શકનારા લોકોએ નાછૂટકે પાછા ફરવું પડ્યું હતું. ક્રિસમસ વીક-એન્ડની જેમ થર્ટીફર્સ્ટ અને નવા વર્ષમાં પણ માથેરાનમાં આવી જ હાલત થવાની શક્યતા છે.
અઢી કિલોમીટર ટ્રાફિક-જૅમ
ADVERTISEMENT
માથેરાન પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર નરેશ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે શુક્રવારે માથેરાન આવેલા પર્યટકો રવિવારે બપોરે નીકળવા લાગે છે એટલે રવિવારે બપોર પછી માથેરાન આવનારાઓને કોઈ તકલીફ નથી થતી, પણ અત્યારે ક્રિસમસ વેકેશન ચાલી રહ્યું છે એટલે સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં લોકો માથેરાન પહોંચ્યા હતા એને લીધે દસ્તૂરી પૉઇન્ટ પર આવેલું પાર્કિંગ ફુલ થઈ ગયું હતું. આથી દસ્તૂરીથી નેરળ તરફના ઢાળવાળા રસ્તામાં વાહનોની અઢી કિલોમીટર સુધી લાઇન લાગી હતી. દસ્તૂરી પૉઇન્ટમાં વાહન પાર્ક કરવાની જે જગ્યા છે એમાં સ્થાનિક રહેવાસીઓ માટે ૧૫૦ વાહનોની જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે. આથી અહીં એકસાથે પર્યટકોની ૩૫૦થી વધુ કાર કે બસ જ પાર્ક કરી શકાય છે.’
૧૨,૦૦૦ પર્યટકો
માથેરાન નગરપરિષદના એક અધિકારીના જણાવ્યા મુજબ શનિવારે માથેરાનમાં એકસાથે ૧૨,૦૦૦ જેટલા પર્યટકો પહોંચી જવાને લીધે ભારે ગિરદી થઈ ગઈ હતી. તમામ હોટેલો પૅક થઈ ગઈ હતી. ક્રિસમસના વેકેશનમાં સામાન્ય રીતે પર્યટકોની સારીએવી હાજરી અહીં હોય છે, પણ આ વખતે સામાન્ય કરતાં લગભગ ડબલ લોકો પહોંચી ગયા હતા. આ વખતે અહીં ઠંડી પણ સારી પડી રહી છે એટલે વીક-એન્ડમાં ઠંડીની મજા માણવા મોટી સંખ્યામાં પર્યટકો મુંબઈ અને પુણેથી અહીં આવ્યા હતા.
થર્ટીફર્સ્ટે ભીડની શક્યતા
આવતી કાલે થર્ટીફર્સ્ટ છે એટલે માથેરાનમાં મોટા પ્રમાણમાં નવા વર્ષનું સ્વાગત કરવા લોકો પહોંચવાની શક્યતા છે. આથી આ સમયે પણ શનિવાર અને રવિવારની જેમ માથેરાન ઘાટ પર ટ્રાફિક-જૅમ થઈ શકે છે. આ જ કારણસર પોલીસનું કહેવું છે કે જે લોકોનું બુકિંગ હોય તેમણે જ માથેરાન આવવું.
મહાબળેશ્વર-લોનાવલા પણ હાઉસફુલ
ક્રિસમસના વેકેશનમાં માથેરાનની જેમ મહાબળેશ્વર અને લોનાવલામાં પણ મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બન્ને સ્થળો માથેરાનની તુલનામાં વિસ્તારની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં મોટા ભાગની હોટેલો ફુલ થઈ ગઈ હતી તેમ જ લોનાવલામાં તો ટ્રાફિક પણ જૅમ થઈ ગયો હતો.