રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર જૂથના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારને સોમવારે પુણેની રૂબી હૉલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૫ વર્ષીય નેતાએ ઉધરસ અને `પ્લ્યુરિટિક પેઈન` (છાતીમાં એવો દુખાવો જે શ્વાસ લેતી વખતે વધે છે)ની ફરિયાદ કરી હતી.
શરદ પવાર
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર જૂથના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારને સોમવારે પુણેની રૂબી હૉલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૫ વર્ષીય નેતાએ ઉધરસ અને `પ્લ્યુરિટિક પેઈન` (છાતીમાં એવો દુખાવો જે શ્વાસ લેતી વખતે વધે છે)ની ફરિયાદ કરી હતી. હાલમાં હૉસ્પિલમાં તેમની તબીબી તપાસ અને આગળની સારવાર ચાલી રહી છે. તેમની દીકરી અને બારામતીના સાંસદ તથા એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` (ટ્વિટર) પર તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે શરદ પવારના સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.
સુપ્રિયા સુળેએ સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યા
ADVERTISEMENT
`X` પર સુપ્રિયા સુળેએ લખ્યું, "બાબા (પપ્પા)ને ઉધરસની તકલીફ થતાં પુણેની રૂબી હૉલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબીબી તપાસ ચાલી રહી છે અને તેમનું સ્વાસ્થ્યના સ્થિર છે. તમારી ચિંતા અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર." રૂબી હૉલ ક્લિનિકના ચીફ કાર્ડિયોલૉજિસ્ટ, ચૅરમૅન અને મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. પરવેઝ કે. ગ્રાન્ટે જણાવ્યું છે કે શરદ પવાર જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી અપેક્ષા છે. સાવચેતીના ભાગરૂપે, તેઓ તબીબી દેખરેખ હેઠળ રહેશે. તપાસ બાદ ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. `પ્લ્યુરિટિક પેઈન` સામાન્ય રીતે શ્વાસ લેતી વખતે, ઉધરસ ખાતી વખતે કે છીંક આવતી વખતે વધી જાય છે. તેમની સ્વાસ્થ્ય તપાસના વિગતવાર પરિણામો હજી જાહેર કરવામાં આવ્યા નથી.
શરદ પવારે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
Baba has been admitted to Ruby Hall Clinic, Pune, following a bout of cough. He is undergoing medical tests, and all his health parameters are stable. Thank you all for your concern and good wishes.
— Supriya Sule (@supriya_sule) November 2, 2026
ગયા મહિને શરદ પવારે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, તેમણે ખેડૂતો અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને પાકને થયેલા નુકસાન અને પાણીની અછતની ગંભીરતાનો તાગ મેળવ્યો હતો. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓ તેમની સમસ્યાઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. પવારે પુણે જિલ્લાના પુરંદર તાલુકાની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી અને દુષ્કાળની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાહત પૂરી પાડવા માટે નક્કર પગલાં લેવાની માંગ કરવામાં આવશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો
આ અગાઉ, શરદ પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને દુષ્કાળની પરિસ્થિતિ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૩૫૮ તાલુકાઓમાંથી ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હોવા છતાં, અન્ય ઘણા વિસ્તારો પણ પાણીની અછત અને પાકના નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેમણે વિનંતી કરી કે બાકીના પાત્ર તાલુકાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ઑક્ટોબરમાં ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન, પવારે કૃષિ પર અપૂરતા વરસાદની અસર વિશે વાત કરી. તેમણે કહ્યું, "ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે જો વરસાદ નહીં પડે તો તેઓ શું કરશે? અત્યારે જે પાક ઊભો છે તેને બચાવવો જરૂરી છે અને ખેડૂતો સુધી તાત્કાલિક રાહત પહોંચવી જોઈએ."
