Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૩૯ નંબરનો પરચો જોઈ લો

૧૩૯ નંબરનો પરચો જોઈ લો

Published : 04 October, 2026 08:08 AM | Modified : 04 October, 2026 08:33 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ટ્રેનમાં ભુલાયેલી અઢી લાખ રૂપિયાની બૅગ એક પણ વસ્તુ ગુમ થયા વિના કચ્છી વેપારીને કઈ રીતે પાછી મળી એની સિ​લસિલાબંધ, રસપ્રદ દાસ્તાન

બાંદરા ટર્મિનસ પર RPFના સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ યાદવ પાસેથી ટ્રેનમાં ભુલાઈ ગયેલી અઢી લાખ રૂપિયા રોકડની બૅગ પાછી મેળવી રહેલા ડોમ્બિવલીના વેપારી મહેશ મારુ.

બાંદરા ટર્મિનસ પર RPFના સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ યાદવ પાસેથી ટ્રેનમાં ભુલાઈ ગયેલી અઢી લાખ રૂપિયા રોકડની બૅગ પાછી મેળવી રહેલા ડોમ્બિવલીના વેપારી મહેશ મારુ.


ટ્રેનમાં ભુલાયેલી અઢી લાખ રૂપિયાની બૅગ એક પણ વસ્તુ ગુમ થયા વિના કચ્છી વેપારીને કઈ રીતે પાછી મળી એની સિ​લસિલાબંધ, રસપ્રદ દાસ્તાન ઃ રેલવેના હેલ્પલાઇન નંબર ૧૩૯ પર ફોન કર્યા પછી ડોમ્બિવલીના મહેશ મારુને અનેક સુખદ આંચકા મળ્યા તથા માણસાઈ અને ઈમાનદારીનાં દર્શન થયાં


સામાન્ય રીતે કોઈ મુસાફર ટ્રેનમાં કીમતી સામાન ભરેલી બૅગ ભૂલી જાય તો તેને ચિંતા, ગભરાટ અને નિરાશા થવી સ્વાભાવિક છે. જોકે ક્યારેક આવી ઘટના માણસાઈ અને ઈમાનદારી પરનો વિશ્વાસ વધુ મજબૂત કરી જાય છે. ડોમ્બિવલીના બૅગના વેપારી મહેશ મારુ માટે ગઈ કાલનો દિવસ આવો જ યાદગાર બની ગયો હતો. ટ્રેનમાં ભુલાઈ ગયેલી અઢી લાખ રૂપિયાથી ભરેલી બૅગ સુરક્ષિત રીતે પાછી મળી જતાં તેઓ રેલવે હેલ્પલાઇન, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ટ્રેનના અટેન્ડન્ટની નિષ્ઠા પર વારી ગયા હતા એટલું જ નહીં, આ સમગ્ર અનુભવથી ભાવુક થયેલા મહેશ મારુએ કહ્યું હતું કે ‘માણસાઈ હજી પણ આ ધરતી પર જીવે છે. આજે મને એનો વારંવાર અનુભવ થયો.’



કચ્છના અબડાસા તાલુકાના ચિયાસર ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન મહેશ મારુ તેમના ધંધાર્થે બહારગામ ગયા હતા. તેઓ ગુરુવારે રાતના ૧૦.૩૫ વાગ્યે વડોદરાથી લોકશક્તિ એક્સપ્રેસમાં મુંબઈ પાછા આવ્યા હતા. ગઈ કાલે સવારે તેઓ ૪.૩૦ વાગ્યે અંધેરી સ્ટેશન પર ઊતર્યા અને ત્યાંથી ઑટો કરીને ઘાટકોપર જવા નીકળ્યા હતા. ઘાટકોપરથી તેમને ડોમ્બિવલી જવા માટે ટ્રેન પકડવાની હતી. ઑટો થોડી જ મિનિટ આગળ વધી હશે ત્યાં અચાનક મહેશ મારુનું ધ્યાન પોતાની સ્લિંગ બૅગ તરફ ગયું. બૅગ નજરે ન પડતાં તેમને સમજાયું કે બૅગ ટ્રેનમાં જ રહી ગઈ છે. આ બૅગમાં તેમનું કલેક્શન અને અંદાજે અઢી લાખ રૂપિયા રોકડ હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. એ પછી શું થયું એ તેમના જ શબ્દોમાં વાંચીએ...


ડ્રાઇવરે રિક્ષા ઘુમાવી

પહેલાં તો મેં મારી બૅગ ઑટોમાં શોધી હતી, પરંતુ મળી નહોતી. ઑટો-ડ્રાઇવરે પણ મને કહ્યું કે હું રિક્ષામાં બેઠો ત્યારે મારી પાસે ગળામાં કોઈ બૅગ નહોતી. એટલે તરત જ મેં ડ્રાઇવરને રિક્ષા બાંદરા ટર્મિનસ લેવા કહ્યું. તેણે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વિના મને સાંત્વન આપતાં કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારે જ્યાં ફરિયાદ કરવાની હોય ત્યાં રિક્ષામાં બેઠાં-બેઠાં જ પ્રોસેસ શરૂ કરો. ડ્રાઇવરે એમ કહીને રિક્ષાને બાંદરા ટર્મિનસ તરફ સ્પીડમાં લઈ લીધી હતી. બાંદરા ટર્મિનસ તરફ જતાં રસ્તામાં હું સતત મૂંઝવણમાં હતો કે હવે શું કરવું? શું થશે? મળશે કે નહીં? આ ટેન્શનમાં મેં રેલવેમાં ફરિયાદ કરવા માટેના સંપર્ક-નંબરો ગૂગલ પર શોધવાની શરૂઆત કરી. મને ખબર નહોતી કે આવો કોઈ બનાવ બને તો 139 નંબર પર ફરિયાદ કરવાની હોય. ગૂગલમાં જેટલા નંબરો મળ્યા એમાંના એક પણ નંબર પર હું સંપર્ક કરી શક્યો નહોતો. મારી ચિંતા વધી રહી હતી. ‌ચિંતા સાથે મન ગભરાઈ રહ્યું હતું. અચાનક નંબર આવી જતાં આખરે ૫.૩૯ વાગ્યે મેં રેલવેના હેલ્પલાઇન નંબર 139 પર મારી બૅગ લોકશક્તિ એકસપ્રેસમાં ભૂલી ગયો હોવાની સંપૂર્ણ વિગતો આપીને ફરિયાદ કરી હતી.


મનમાં શંકા, પણ આશ્ચર્યનો આંચકો

મારા મનમાં એક શંકા હતી કે ફરિયાદ બાદ ખરેખર કોઈ ફોન આવશે કે નહીં? જોકે મારો આ સંશય માત્ર ૪ મિનિટમાં દૂર થઈ ગયો હતો. મને સવારે ૫.૪૩ વાગ્યે 139 નંબર પરથી ફોન આવ્યો હતો. મારી પાસેથી હેલ્પલાઇનના કર્મચારીઓએ બૅગનો રંગ-પ્રકાર, અંદર રહેલો સામાન, કોચ-નંબર, PNR સહિતની જરૂરી વિગતો મેળવી અને જણાવ્યું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે, બાંદરા ટર્મિનસથી ટૂંક સમયમાં સંપર્ક કરવામાં આવશે. આ સાંભળીને મારો શ્વાસ હેઠો બેઠો હતો, પરંતુ ટેન્શનમુક્ત થયો નહોતો. 

પોલીસનો ફોન આવ્યો
મારા આશ્ચર્ય વચ્ચે થોડા જ સમયમાં બાંદરા ટર્મિનસની RPF ઑફિસમાંથી મને ફોન આવ્યો આવ્યો હતો. RPFના સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ યાદવે મારી સાથે ફોન પર વાત કરી. તેમણે મને પૂછ્યું કે ભાઈ, તમારી કઈ વસ્તુ રહી ગઈ છે? ભૂલી ગયા છો કે કોઈ લઈ ગયું છે? મેં એના જવાબમાં તેમને જણાવ્યું હતું કે હું મારી સ્લિંગ બૅગ ટ્રેનમાં ભૂલી ગયો છું. જયપ્રકાશ યાદવે મને આશ્વાસન આપતાં પૂછ્યું હતું કે હું ક્યાં છું? એ સમયે હું બાંદરા ટર્મિનસ પહોંચી ગયો હતો. બાંદરા ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર ૩ પર લોકશક્તિ એક્સપ્રેસ ઊભી હતી. મારો કોચ ઘણો આગળ હોવાથી મેં બારથી ૧૩ ડબ્બાનું અંતર કાપવા દોડવાનું શરૂ કર્યું હતું. મને દૂરથી દોડતો જોઈને જયપ્રકાશ યાદવે મને ફોન કરીને કહ્યું કે ભાઈ, શાંતિથી આવો, તમારી બૅગ મળી ગઈ છે, ભાગવાની જરૂર નથી. જોકે બૅગમાં રોકડ હોવાથી મારી ધીરજ ખૂટી ગઈ હતી. હું ઝડપથી દોડીને તેમની પાસે પહોંચ્યો હતો.

બૅગ સહીસલામત
જેવો હું મારા કોચ પાસે ઊંચા શ્વાસ સાથે પહોંચ્યો એટલે પહેલાં તો જયપ્રકાશ યાદવે મને હૈયાધારણ આપતાં કહ્યું કે ભાઈ, મેં તમને ચિંતા વગર આવવા કહ્યું હતુંને. ત્યાર પછી તેમણે ટ્રેનના અટેન્ડન્ટને મને બૅગ સોંપવા કહ્યું હતું. અટેન્ડન્ટે મને બૅગ સોંપીને આખી બૅગ ચેક કરી લેવા કહ્યું. પહેલાં તો હું અચકાયો હતો, પરંતુ તેણે ફરીથી મને બૅગ તપાસવા કહ્યું હતું. બૅગ ખોલીને મેં એક પછી એક વસ્તુ તપાસી અને જોયું કે બૅગમાં રહેલી તમામ વસ્તુઓ અને રોકડ સંપૂર્ણપણે સલામત હતી. એક પણ વસ્તુ ખૂટતી નહોતી.

બૅગ પાછી મળ્યાની ખુશીમાં મેં ટ્રેનના અટેન્ડન્ટને ઇનામ આપવાની ઑફર કરી, પરંતુ અટેન્ડન્ટે પૈસા લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. મેં ખૂબ આગ્રહ કર્યો અને રેલવેના પોલીસ-અધિકારીએ પણ તેને સમજાવ્યું કે તેમની ખુશીથી આપવામાં આવતી ભેટ છે. ત્યાર બાદ અટેન્ડન્ટે માત્ર થોડી રકમ સ્વીકારી. મને અફસોસ છે કે મારા અઢી લાખ રૂપિયા સેફ જોઈને અને પાછા મળતાં હું એટલો બધો હરખમાં આવી ગયો હતો કે આવા ઈમાનદાર અને પ્રામાણિક અટેન્ડન્ટનું નામ પણ ન પૂછ્યું કે ન તો તેની સાથે હું ફોટો પણ લઈ શક્યો.

પોલીસે ઇનામ ન સ્વીકાર્યું 
સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ યાદવ પછી મને RPFની ઑફિસમાં લઈ ગયા, જ્યાં 139ની ફરિયાદને લગતી જરૂરી કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. મેં તેમણે કરેલી મદદનું ઋણ ચૂકવવા માટે તેમને પણ રોકડ ઇનામ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે એ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જયપ્રકાશ યાદવે મને કહ્યું કે હું કોઈ પાસેથી કંઈ લેતો પણ નથી અને કોઈને લેવા પણ દેતો નથી. તેમના આ જવાબથી હું પ્રભાવિત થઈ ગયો હતો. મને આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં વારંવાર ઉલ્લેખાતા ‘ન ખાઉં છું, ન ખાવા દઉં છું’ વાક્યની યાદ આવી. કાર્યવાહી પૂરી થયા પછી પણ જયપ્રકાશ યાદવે પોતાની ફરજ ત્યાં પૂરી માની નહીં. તેઓ મને મારો સામાન લઈને રિક્ષા સુધી મૂકવા આવ્યા, મને રિક્ષામાં બેસાડ્યો અને ત્યાર બાદ જ RPFની ઑફિસ તરફ પાછા ફર્યા હતા.

ઑટો-ડ્રાઇવરે પણ વધારાના પૈસા ન માગ્યા
મારી મુશ્કેલી સમજ્યા બાદ ડ્રાઇવરે મને તરત બાંદરા ટર્મિનસ પહોંચાડ્યો તો હતો, પણ જ્યાં સુધી મને મારી બૅગ પાછી ન મળી ત્યાં સુધી મારી રાહ જોઈને ઊભો રહ્યો હતો. બૅગ મળી ગયા બાદ તેણે કોઈ વધારાના પૈસાની માગણી કરી નહીં. ઊલટું, બૅગ સુરક્ષિત રીતે મળી આવી તે બદલ તેણે પણ ખુશી વ્યક્ત કરી હતી.


હેલ્પલાઇનની પ્રશંસા

મહેશ મારુએ 139 હેલ્પલાઇનની કામગીરીની પણ ખાસ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘મારી ફરિયાદ બાદ હેલ્પલાઇન તરફથી વારંવાર સંપર્ક કરવામાં આવ્યો અને બૅગની શોધથી લઈને પાછી મળવા સુધી દરેક તબક્કે જરૂરી તકેદારી રાખવામાં આવી. હું મારી બૅગ પાછી મળી એ માટે ખાસ કરીને 139 હેલ્પલાઇન, RPF, ટ્રેનના અટેન્ડન્ટ અને RPFના સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ યાદવનો આભાર માનું છું.’

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:33 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK