મિત્ર સાથે દારૂ પીતી વખતે થયેલા નજીવા વિવાદને પગલે તેનું કાસળ કાઢી નાખ્યું હતું
ધરપકડ કરાયેલો મિત્રની હત્યા કરનારો પ્રભુ કરકડે અને ઘરમાલિક સંદીપ મ્હાત્રે.
ડોમ્બિવલી-વેસ્ટના મોઠાગાવમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે એનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિએ તેના મિત્રની હત્યા કરી હતી તેણે અમુક દિવસો પછી સામેથી ચાલીને જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જોકે આત્મસમર્પણનું કારણ તેને થયેલી ગ્લાનિ કે દોષભાવ નહીં પરંતુ તેના સપનામાં તેણે જે મિત્રની હત્યા કરી હતી તેનું વારંવાર આવવું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આપેલી માહિતી મુજબ પ્રભુ કરકડે નામના યુવકે તેના મિત્ર વિશાલ કદમની દારૂ પીતી વખતે કોઈ કારણસર વિવાદ થવાને પગલે હત્યા કરી હતી. ત્યાર પછી તેના ઘરમાલિકની મદદથી વિશાલના મૃતદેહને કોઈ જોઈ ન જાય એ રીતે ગૂણીમાં ભરીને સગેવગે કર્યો હતો.
જોકે મિત્રની હત્યા કર્યા પછી સતત ૨૦ દિવસ સુધી તેને ઊંઘ આવી નહોતી અને જ્યારે તે થોડી વાર માટે પણ સૂતો ત્યારે તેનો મિત્ર વિશાલ તેના સપનામાં આવતો હતો એટલે ગભરાઈને પ્રભુ કરકડેએ પોલીસ પાસે જઈને ગુનો કબૂલ્યો હતો અને આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે જ હત્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે મદદ કરનારા ઘરમાલિક સંદીપ મ્હાત્રે વિશે પણ વટાણા વેર્યા હતા. સંદીપે ફક્ત પ્રભુની જવાની બરબાદ ન થાય એ માટે તેની મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
